દર્દી બનીને આવ્યા હતા GST વિભાગના અધિકારી !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં લાંબા સમય બાદ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોરબી શહેરની પ્રખ્યાત એપલ હોસ્પિટલમાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. ગાંધીધામની એક ટીમ વહેલી સવારે મોરબી આવી પહોંચી હતી અને સ્થાનિક અધિકારીઓને તેમજ બે સરકારી કર્મચારીઓને સાથે રાખી શનાળા રોડથી અંદરના ભાગે આવેલી એપલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન પહેલા હોસ્પિટલના તબીબ અને સ્ટાફના મોબાઈલ કબ્જે કર્યા હતા તેમજ કોમ્પ્યુટર અને તમામ દસ્તાવેજી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. મોરબી શહેરના શનાળા રોડ પર આવેલી એપલ હોસ્પિટલમાં જીએસટી ટીમે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કેટલીક કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ છે. હાલ દરોડા દરમિયાન જીએસટીની ટીમ દ્વારા અનેક પુરાવા જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અગાઉ થોડા મહિના પહેલા જીએસટીની ટીમના એક અધિકારી અહીં દર્દી બનીને આવ્યા હતા અને સમગ્ર હોસ્પિટલમાં ચાલતા વહીવટની ગુપ્ત માહિતી મેળવી હતી તેમજ માહિતીને વેરીફાઈ કર્યા બાદ ગઈકાલે ફૂલપ્રૂફ પ્લાન બનાવી ચાર જેટલા અધિકારી આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.