કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરતી SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશનનો મોટો નિર્ણય
સ્ટાફ સિલેક્શન કમિશન ( SSC )ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે સ્ટાફ સિલેક્શન કમિશન પહેલીવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. જેની શરૂઆત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (નૉન-ટેકનિકલ) એક્ઝામિનેશન-2022થી થશે. આ મામલે સ્ટાફ સિલેક્શન કમિશને જણાવ્યું હતું કે, ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લા, કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પરીક્ષા આપી શકશે.
- Advertisement -
સરકારની સૌથી મોટી ભરતી એજન્સીઓમાંની એક SSC નો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોમાં તમામ ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C (નોન-ટેકનિકલ) પદોની ભરતી કરવાનો છે. કમિશન દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનું માધ્યમ સામાન્ય રીતે હિન્દી અને અંગ્રેજી છે. જોકે હવે પહેલીવાર સ્ટાફ સિલેક્શન કમિશન ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે.
શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ ?
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ પગલું તમામ નોકરી શોધનારાઓને સમાન સ્તરનું પ્લેઇંગ ફીલ્ડ પ્રદાન કરવા અને ભાષાના અવરોધને કારણે કોઈને નકારવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તેમણે કહ્યું કે, આનાથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોને ફાયદો થવાની સંભાવના છે. આ ઐતિહાસિક પગલા પછી બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓને ધીમે ધીમે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે.
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)શું કાર્ય કરે છે?
SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશન કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરે છે. સરકારી પોસ્ટ પર ભરતીની કામગીરી સંભાળતી એજન્સીઓમાં SSC ની ગણના સૌથી મોટી એજન્સીઓમાં થાય છે.