અધ્યાપકો-અધિકારીઓને હોળી, ધૂળેટીમાં 5 દિવસની રજા, પદવીદાન સમારોહમાં 2 દિવસ રજાના દિવસે બોલાવાયાનો લાભ અપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોળી-ધૂળેટીના પર્વને લઈને ગુરૂવારથી 5 દિવસ માટે મીની વેકેશન પડી રહ્યું છે. ગત શનિવાર અને રવિવાર રજા હોવા છતાં તમામ કર્મચારીઓને પદવીદાન સમારોહને લઈને બોલાવવામાં આવ્યા હતા. જે 2 દિવસની રજાનો લાભ 21 અને 22 માર્ચે આપવામાં આવ્યો છે અને ત્યારબાદ 23થી 25 માર્ચ સુધી જાહેર રજા છે. આમ યુનિવર્સિટી ગુરુવારથી 5 દિવસ બંધ રહેશે. જેને લીધે શૈક્ષણિક અને વહીવટી કાર્ય નહીં થાય. જેથી વિદ્યાર્થીઓ પણ આ 5 દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ન જાય તેવી સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ રમેશ પરમારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 10 માર્ચના રવિવારે 58મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેથી શનિવારે પણ રજાનો દિવસ હોવા છતાં તમામ કર્મચારીઓને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 23 માર્ચના ચોથો શનિવાર છે. 24 માર્ચના રવિવારે હોળી છે તો 25મી માર્ચે સોમવારે ધૂળેટી છે. જેથી 21 અને 22 મી માર્ચ 2 દિવસની રજા આપવામા આવી છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને 5 દિવસની સળંગ રજાનો લાભ મળી શકે.
ઉલ્લેખની છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજાના દિવસે અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર બોલાવવામાં આવે તો તે દિવસની રજાનો લાભ તે પછીના ફરજ પરના દિવસો દરમિયાન આપવામાં આવે છે અને આ રજાઓ પણ તહેવારોની જાહેર રજાઓ પહેલા કે પછી આપવામાં આવતી હોવાથી સળંગ રજાનો લાભ મળે છે જેથી આ વખતે પણ રજાના દિવસે યોજાયેલા પદવીદાન સમારોહમાં કર્મચારીઓએ ફરજ બજાવી હોવાથી હવે તે રજાનો લાભ ગુરુવારથી 2 દિવસ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ 3 દિવસની જાહેર રજા છે.