નવેમ્બર મહિનામાં યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, એ પહેલા રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ડીબેટ યોજાઈ રહી છે. બંને ઉમેદવારો યુએસની એબીસી ન્યૂઝ દ્વારા આયોજિત ડીબેટમાં હાજર રહ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
ડીબેટમાં ભાગ લીધા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા અને મુઠ્ઠી ઉંચી કરી કરીને તેમના સમર્થકોને અભિવાદન કર્યું. બીજી તરફ કમલા હેરિસ સાથે બે લોકો ડીબેટમાં સામેલ હતા, જેમાં ટ્રમ્પની ટીકા કરનાર એન્થોની સ્કારમુચીનો પણ સમાવેશ થાય છે. ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે મોટો દાવો કર્યો હતો કે ટ્રમ્પ અમેરિકના બંધારણને ખતમ કરવા ઈચ્છે છે. ટ્રમ્પે આ દાવાને ફગાવી દીધો હતો. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષ પર મોટો આરોપ લગાવ્યો હતો. ટ્રંપે કહ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલા માટે ડેમોક્રેટ પાર્ટી જવાબદાર છે. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સના પ્રચારને કારણે જ આ વર્ષે જુલાઈમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ લોકો લોકશાહીની વાત કરે છે, તેઓ પોતે જ લોકશાહી માટે મોટો ખતરો છે.
- Advertisement -
ડિબેટ દમિયાન ટ્રમ્પ અને હેરિસ બંને અમેરિકાના કાયદો અને વ્યવસ્થા અંગે ઉગ્ર દલીલો કરવા લાગ્યા. કમલા હેરિસે ટ્રમ્પના દાવાને ફગાવી દીધા હતા કે બાઈડેનના શાસન દરમિયાન ગુનામાં વધારો થયો છે. કમલા હેરિસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક ગુનાઓ, ચૂંટણીમાં હસ્તક્ષેપ જેવા ગંભીર કેસ જેના પર છે, એ વ્યક્તિ તરફથી આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એ પણ ન ભૂલવું જોઈએ કે આ વર્ષે મે મહિનામાં કોર્ટે ટ્રમ્પને છેતરપિંડીના 34 ગંભીર કેસમાં દોષી ઠેરવ્યા હતા. ડિબેટમાં રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે પણ ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નીતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે આ યુદ્ધ હવે કોઈપણ ભોગે ખતમ થવું જોઈએ. આ મામલાને વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે, બાઈડેનના નેતૃત્વમાં આ થઈ શક્યું નથી.
આનો જવાબ આપતાં કમલા હેરિસે કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ હોત તો પુતિન અત્યારે કિવ(યુક્રેનની રાજધાની)માં બેઠા હોત, રશિયામાં નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુતિન માટે રશિયા-યુક્રેન યુદ્ધનો અલગ અર્થ છે. અફઘાનિસ્તાન મુદ્દે પણ વિવાદ જોવા મળ્યો હતો, ચર્ચા દરમિયાન કમલા હેરિસે બિડેનના પગલાને યોગ્ય ઠેરવ્યું હતું જેમાં યુએસ આર્મીને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તાલિબાન સાથે બકવાસ અને દિશાહીન સોદો કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બાઈડેનની સરકારે તાલિબાનને કરાર તોડવામાં મદદ કરી હતી. આ લોકોએ જે રીતે સેનાને પાછી બોલાવી, હું માનું છું કે તે અત્યાર સુધીનો સૌથી ખતરનાક પગલું હતું. આને અમેરિકાના ઈતિહાસની સૌથી શરમજનક ઘટના તરીકે જોવી જોઈએ. બાય ધ વે, હું અહીં એ સ્પષ્ટ કરી દઉં કે રશિયાએ પણ યુક્રેન પર આ જ કારણસર હુમલો કર્યો હતો કારણ કે તેમને પણ ખ્યાલ હતો કે કમલા અને બાઈડેન પાસે તેને રોકવાની ક્ષમતા નથી.
- Advertisement -
ટ્રંપે એફોર્ડેબલ કેર એક્ટ (ACA) ની નિંદા કરી હતી, આ એક્ટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે જો તેમની પાસે હેલ્થકેરને સસ્તી અને બહેતર બનાવવાની યોજના હશે તો જ તેઓ ACAને રદ કરશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે બાઈડેન અને કમલા વચ્ચે કોઈ ભેદ નથી. હેરિસે સ્પષ્ટ કહ્યું, “હું જો બાઈડેન નથી, અને હું ચોક્કસપણે ડોનાલ્ડ ટ્રમ્પ નથી.”ટ્રમ્પે કહ્યું કે જો હેરિસ પ્રમુખ તરીકે ચૂંટાશે તો ઇઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો ગાઝામાં યુદ્ધ ન થયું હોત, ખોટો દાવો કરીને કે બાઈડેન વહીવટીતંત્રે ઈરાન પરના પ્રતિબંધો હટાવ્યા છે.