મગફળીનો પાક તૈયાર કરવા પાછળનો ખર્ચ વધ્યો સરકારે ટેકાના ભાવ 1110 જાહેર કર્યા, જૂનાગઢ યાર્ડમાં રૂપિયા 700થી 1102 ભાવ
ખાસ-ખબર સંવાદદાતા
ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજવસ્તુનું પરિવહનજ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. સોરઠમાં હાલ મગફળીની સીઝન છે. એવામાં થ્રેશર પ્રત્યેક ખેડૂતોની જરૂરિયાત છે. બધા પાસે પોતાના થ્રેશર હોતા પણ નથી. પણ ડીઝલનો ભાવ વધતાં થ્રેશર ચલાવવાનો અને ખેતર સુધી લઇ જવાના ખર્ચમાં વધારો થયો.
જેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવેજ ખરીદવું પડે છે. આથી એમાં કોઇ જાતની રાહત મળતી નથી. જો ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઇ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહોંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઇને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી.
- Advertisement -
એક ખેડૂતે જણાવ્યું હતું કે, મારી પાસે 20 વર્ષથી થ્રેશર છે. ડીઝલનો ભાવ વધ્યો હોવાથી અમે પણ ભાવ વધાર્યા. બધા પાસે ટ્રેક્ટર કે થ્રેશર ન હોય. પહેલાં અમે 1 કલાકના 400 રૂપિયા લેતા. પણ ડીઝલના ભાવ વધવાથી અમારે આ વર્ષે ફરજિયાત 800 રૂપિયા કરવા પડશે. જો આવુંજ રહેશે તો ખેડૂતો ફરી બળદગાડાએ આવી જશે.
ત્યારે જમીન ખેડવામાં 10 વર્ષ પહેલાં વિઘે 300 રૂપિયા લેખે 29 વીઘાનો રૂ. 9 હજાર ખર્ચ થતો. જે ડીઝલના ભાવ વધવાની 1 વીઘાનો ખર્ચ 600 રૂપિયા થઇ ગયો છે. આમ હવે ખેડૂતનો ખર્ચ રૂ. 18 થી 20 હજાર થઇ ગયો છે.
હાલ દરેક પ્રકારના પાકના ભાવ કરતાં તેની મજૂરી વધી છે. સ્થાનીક મજૂરો મોંઘા થતાં ખેડૂતોએ બહારના મજુરો બોલાવવા પડે છે. એમાં ડીઝલના ભાવ આસમાને જતાં મગફળી તૈયાર કરવા ખેડૂતોએ થ્રેશરના 1 વીઘાના 400 ની જગ્યાએ 600 રૂપિયા ચૂકવવા પડશે.