મુંબઈ, પુના અને સુરતમાં કાર્યવાહી: PMLA એક્ટ હેઠળ ચાલી રહી છે તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ ABG શિપયાર્ડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ફરીવાર દરોડાની કાર્યવાહી કરી છે. ED અધિકારીઓએ મંગળવારે મુંબઇ, પૂણે અને સૂરતમાં દેશની સૌથી મોટી ખાનગી જહાજ નિર્માતા કંપની ABG શિપયાર્ડ સાથે જોડાયેલા 26 પરિસરોમાં દરોડા પાડયા હતા.
ABG શિપયાર્ડ અને તેની ભગિની સંસ્થાઓ અને એક્ઝિક્યૂટિવ્સના પરિસરોમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી. કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કંપની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
આ કેસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કંપની દ્વારા બેન્ક પાસેથી જંગી રકમ લેવામાં આવી હતી અને તે રકમને ભારત અને વિદેશોમાં 100થી વધારે શેલ કંપનીઓ મારફત ડાયવર્ટ કરવામાં આવી હતી. CBIએ AGB પર ICICI બેન્કના નેતૃત્વ હેઠળ બેન્કોના સમૂહ સાથે 22,848 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જેમાં ICICIના 7089 કરોડ, IDBI બેન્કના 3639 કરોડ, SBIના 2925 કરોડ, બેન્ક ઓફ બરોડાના 1614 કરોડ અને પંજાબ નેશનલ બેન્કની 1244 કરોડની રકમ સામેલ છે. EDએ ફેબ્રુઆરીમાં AGB શિપયાર્ડના તત્કાલીન પ્રમુખ અને એમડી ઋષિ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
- Advertisement -
2016માં કંપનીને 55 કરોડ ડોલર કરતા પણ વધારે રકમનું નુકસાન થયું હતુ અને તે બાદ એબીજી શિપયાર્ડની હાલત કંગાળ થઇ ગઇ હતી. પોતાની નાણાકીય સ્થિતિનો હવાલો આપતા કંપનીએ બેન્કો પાસેથી લોન લીધી હતી અને આ કૌભાંડને અંજામ આપ્યો હતો.