23 વર્ષથી ગરીબો, સાધુ-સંતો, નિ:સહાય દર્દીઓને સતત નિશુલ્ક સારવાર આપતા ડૉ. પાંભર
વર્તમાનમાં વિશ્વના છ-છ દેશોની પ્રજા યુદ્ધમાં છે અને બાકીની પ્રજા તેની તરફેણ કે વિરુદ્ધમાં વાક્ યુદ્ધમાં છે ત્યારે આ બધા જે પોતાના અણુ-પરમાણુ અસ્ત્ર-શસ્ત્ર, સંપત્તિ કે તાકાતના જોડે જમીનના ટુકડા કે વાહિયાત માન્યતાઓ કે વિચારધારાઓના કારણે લડી રહ્યા છે ને પૃથ્વી નો ખો કાઢી રહ્યા છે તે બધા સાવ નજીકનો જ ભૂતકાળ ભૂલી ચૂક્યા છે. જ્યારે 2019 થી 2021 સમગ્ર વિશ્ર્વ ઉપરાંત આજે પણ ક્યાંક છૂટો છવાયો જોવા મળે છે તેવો કોવિડ 19 કે જેના કોરોના વાયરસનું કદ માઇક્રો મીમીમાં પણ નહોતું તેણે ભલભલાને ઝડપી લીધાને પૂરી દુનિયા ને એક જ દિશામાં દોડતી કરી દીધેલી એ હતી ડોક્ટર, ક્લિનિક કે હોસ્પિટલની દિશા!!!
‘મા’ અને ડોક્ટરને દુનિયા ‘લિવિંગ ગોડ’ માને છે પીડા અને રોગથી મુક્તિ ઇચ્છતો દર્દી જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે તેની અનેક અપેક્ષાઓ હોય છે કે તેનો ડોક્ટર દયાળુ, શાંત, આવડતયુક્ત, સેવાભાવી, મૃદુ અને કોમળ, તરવરીયો, નીતિમત્તા વાળો, મિત્રતાપૂર્ણ, ડહાપણયુક્ત, અનુભવી, જાણકાર, સહકારયુક્ત, ધીરજવાન, જવાબદાર અને વિશ્વાસુ હોય. ડોક્ટરનું આવું રૂપ દર્દીને પીડા અને રોગમુક્ત કરવામાં મોટો મનોવૈજ્ઞાનિક ભાગ ભજવે છે પણ, કમનસીબે આ ક્ષેત્ર આજે વધુને વધુ ખરડાવા લાગ્યું છે. ડોક્ટર બન્યા બાદ દર્દી પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની પ્રતિજ્ઞા લેનારાઓમાંથી ઘણા બધા હવે ભૌતિકવાદની દોટમાં લાગી ચૂક્યા છે. પહેલા કરોડોની લોનો લઈ ફાઇવસ્ટાર જેવી સગવડો ધરાવતી હોસ્પિટલ ઉભી કરવી, ત્યારબાદ તેની વસુલાત કરવા દર્દી પાસે મસમોટા બીલ ભરા વડાવવા, દવાની કંપનીઓની લલચામણી ઓફર્સને વશ થઈ જરૂરી-બિનજરૂરી ઢગલો એક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવી, લેબોરેટરીમાં નક્કી કરેલી ટકાવારી ને વસૂલવા સાચા-ખોટા અનેક ટેસ્ટ કરાવવા અને આ બધું કરવા છતાં પણ ખુદની અણ આવડતના કારણે દર્દીઓના શરીર અને જીવ સાથે ચેડા કરવા!! લાખો રૂપિયા ઓપરેશન પહેલા મુકાવે ને દર્દી મરી જાય તો વેન્ટિલેટર પર રાખે!! આજે પ્રજા ન છૂટકે લાચારી થી ડોક્ટર પાસે જાય છે. પેલી રમુજી સંસ્કૃત રચના છેને કે વૈદરાજ તમને દૂરથી જ નમસ્કાર.. કેમ કે તમે તો યમરાજા ના ભાઈ છો પણ યમરાજ તો ખાલી પ્રાણ હરે છે અને તમે તો પ્રાણ ઉપરાંત મહા મહેનતે કમાયેલું ધન પણ હરી લ્યો છો!!
કાળના વિવિધ હિસ્સામાં દેવદાનવ પ્રકૃતિના લોકો આવ્યા અને જતા રહ્યા પણ લોકો એ બે પાંચ ભલા માણસોને યાદ રાખે છે જેને માનવતાને ઉજાગર કરી હોય. રાજકોટની પ્રજા પણ આજે જેને યાદ કરે છે એવા કે જે નજીવા દરે દર્દીઓને સાજા કરી દેતા અને ખાતરીથી કહેતા બીજીવાર આવવું નહીં પડે ..જેમાં ડોક્ટર વાય.(યુધિષ્ઠિર) વી. દવે (લક્ષ્મીવાડી), ડોક્ટર સી.એ. ઠક્કર (કરણપરા), ડોક્ટર શાંતિલાલ માલવણીયા (મનહર પ્લોટ) ડોક્ટર જૈમન ઉપાધ્યાય (કોઠારીયા રોડ), ડોક્ટર દસ્તુર સાહેબ (યાજ્ઞિક રોડ) બાળકોના ડોક્ટર થડેશ્વર અને સીલર વગેરેને આજે પણ રાજકોટના 50 વર્ષ ઉપરના લોકો યાદ કરે છે અને દાખલા આપે છે એવા જ એક સેવાભાવી ડોક્ટરની આ જ અહીં વાત કરવી છે.
રાજદીપ સોસાયટી,મવડી પ્લોટ જેવો સામાન્ય વિસ્તાર અને સાવ નાનું એવું ક્લિનિક જેની શરૂઆત કરી ડોક્ટર કે. કે. પાંભરે 2000ની સાલમાં…. 23 વર્ષનો એમનો બહોળો અનુભવ. સવારની શરૂઆત ભગવાનની પૂજા કરીને દર્દી નારાયણની સેવામાં સાહેબ બેઠા હોય.. તમે જાઓ એટલે પહેલા શાંતિથી કંઈ પણ બોલ્યા વિના તમને સાંભળે..પછી હાથની નાડી જુવે સ્ટેથો સ્કોપ લગાવે.. સરળ એવા પ્રશ્ર્નો પૂછે.. દિલાસો આપે ..વધુ કાંઈ હોય તો એક બે દિવસની વધુ દવા પણ જટ દઈને ટેસ્ટ કરાવવા જાઓ કે કોઈ મોંઘી દવાઓ લખી આપવી… બીજી કઈ વાત કરીને ડરાવવા એવું કંઈ ન કરે. દર્દી અડધો સાજો તો ત્યાં જ થઈ જાય. 23 વર્ષથી સાહેબ ગરીબો, સાધુ-સંતો, નિ:સહાય દર્દીઓને સતત નિશુલ્ક સારવાર આપે છે! દવાની જરૂર ન હોય તો કમાવાની સહેજ પણ લાલચ જોવા ન મળે. ખુદની ક્ષમતાને મર્યાદા બરાબર ઓળખે. પાંભરસાહેબ પોતે પ્રકૃતિ પ્રેમી છે તથા સ્વચ્છતાના આગ્રહીને વાંચનનો શોખ ધરાવે છે. પોતાની ફિટનેસનો ખૂબ ખ્યાલ રાખે છે. યોગ વિશે સારું જ્ઞાન ધરાવે છે અને ધાર્મિક પ્રકૃતિ હોવાથી હર હંમેશ બીજા લોકોની મદદ માટે તૈયાર રહે છે. તેથી જ તેઓ દર્દી સાથે ખૂબ જ સમાનુભૂતિ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરે છે તેઓ હાલના સમય અનુસાર ઓર્ગેનિક ફૂડના આગ્રહી છે. તેમના પત્ની કવિતા કે પાંભર પણ 18 વર્ષથી ડાયેટિશ્યન તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને તેમના પુત્ર મનન કે પાંભર પણ પિતાના પગલે હાલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. પ્રસિધ્ધિનો કોઈ જ મોહ જોવા ન મળે. માત્ર પોતાનું કામ શાંતિથી કર્યે જાય એવી અનુભૂતિ જ્યારે જ્યારે તેની પાસે જાઓ ત્યારે થયા વિના ન રહે. નાનકડી તકલીફ હોય કે મોટી તેમની પાસે જતા પહેલા સહેજ પણ ડર ન લાગે કે કેટલું બિલ બનાવશે..કેટલા ધક્કા ખવડાવશે.. કેટલી બધી જાતની દવાઓ આપશે.. કંઈ નહિ, બસ હૈયે એક ધરપત હોય કે સાહેબ જાણકાર છે હમણાં સાજા!!
માત્ર મારા પરિવાર જ નહીં તેને જાણતા અનેક પરિવારોની લાગણી હશે. આ કોઈ પ્રચાર અર્થે નહીં પરંતુ ઋણ સ્વીકાર સાથે ઘણા સમયથી કહેવાની ઈચ્છા હતી કેમકે સાંપ્રત સમાજની એ જરૂર છે કે માનવી હવે એ સમજે કે હું માનવ થાવ તો પણ ઘણું ને એવું જીવનારા પણ હજુ છે ખરા.