રાજકોટમાં સમૂહલગ્નના લાભાર્થે યોજાયેલા ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉપર લોકોએ અઢળક રૂપિયા ઉડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં 4 જાન્યુઆરીએ 81 દીકરીના સમૂહલગ્નના લાભાર્થે એક ભવ્ય લોકડાયરો યોજાયો હતો. યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ લોકડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપનાં આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો હતો. આ લોકડાયરાનાં વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોઘરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરત બોઘરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભરત બોઘરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ રકમ યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડો. ભરત બોઘરાની આગેવાનીમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વજ્ઞાતિની જરૂરિયાતમંદ અને માતા-પિતા વિહોણી 81 દીકરીનો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો. જે અંતર્ગત ગતરાત્રે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્યકલાકાર મિલન તળાવીયા દ્વારા વિવિધ સુપ્રસિદ્ધ લોકગીતો લલકારવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ દીકરીઓને કરિયાવર આપી આશીર્વાદ આપ્યા
આ લોકડાયરાનાં કાર્યક્રમ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સઘવી ખાસ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી પટેલે આ માંગલિક પ્રસંગે સમૂહ લગ્નોત્સવની દીકરીઓને કરિયાવર અર્પણ કરવા સાથે આશીર્વાદ આપ્યા હતા. તેમજ તેઓના હસ્તે આ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાઓ તથા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ પણ યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. લોકડાયરામાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી.