ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી છે.
અગાઉ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને રૂ14 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરાકર દ્વારા લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ – 3અને વર્ગ – 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એચ.કે ઠાકર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ.14 લાખ (ચૌદ લાખની) ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના તા-20/07/20147ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.