ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દુ મંદિરને નિશાન બનાવાયું છે. પડોશી દેશના કરાચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરાઈ છે. પાકિસ્તાનમાં લઘુમતિઓના પૂજાના સ્થળો વિરુદ્ધ બર્બરતાની ઘટના સતત વધી રહી છે. કરાચીના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં બુધવારે દેવી-દેવતાઓની મૂર્તિઓ પર હૂમલો કરાયો હતો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ આ ઘટનાથી કરાચીમાં રહેતા હિન્દુ સમાજમાં ભય ફેલાયો છે. જોકે, કોરંગી વિસ્તારમાં કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવાઈ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે સ્થળ પર પહોંચીને મંદિરનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના હિન્દુ રહેવાસી સંજિવે જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર છથી આઠ લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો. આ લોકોએ મંદિર પર શા માટે હુમલો કર્યો તે જાણી શકાયું નથી.
પાકિસ્તાનમાં 1947માં હિન્દુઓની વસતી 14 ટકા હતી, આજે માત્ર 1.18 ટકા
- Advertisement -
પાકિસ્તાનમાં આજે મુસ્લિમોની સંખ્યા 20,03,62,718 છે. હિન્દુઓની વસતી 22,10,566 છે. ભાગલા વખતે પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી 14 ટકા હતી, ભાગલા બાદ વસતી એક યા બીજા કારણોથી સતત ઘટી ગઈ અને આજે પાકિસ્તાનની કુલ વસતીમાં હિન્દુઓ માત્ર 1.18 ટકા રહ્યા છે.
1941ની વસતી ગણતરી પ્રમાણે આજના પાકિસ્તાનના વિવિધ પ્રદેશોમાં તે વખતની વસતીના 14 ટકા હિન્દુઓ રહેતા હતા. એ વખતે પાકિસ્તાનની વસતી ચારેક કરોડ હતી. આજના બાંગ્લાદેશના હિસ્સાને ગણતરીમાં ન લઈએ તો એ વખતે પાકિસ્તાનની વસતીમાં 14-15 ટકા હિન્દુઓ હતા. એટલે કે અંદાજે 60 લાખ હિન્દુઓ પાકિસ્તાનમાં રહેતા હતા. ભાગલા વખતે 47 લાખ હિન્દુઓ ભારતમાં નિરાશ્રિત બનીને આવી ગયા હતા.
ભારત પાકિસ્તાન અલગ થયા બાદ પ્રથમ વખત 1951માં જ્યારે વસતી ગણતરી થઈ ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી 14 ટકામાંથી ઘટીને માત્ર 1.6 ટકા થઈ ગઈ હતી. પાકિસ્તાનનું પોપ્યુલેશન 1951માં 3,37,40,167 નોંધાયું હતું. એમાંથી હિન્દુઓ માંડ 35 લાખ જેટલા નોંધાયા હતા.