સાયકલથી સ્વાસ્થ્યની સાથે પ્રદૂષણ ફેલાતું અટકશે
આજે વિશ્વ સાયકલ દિવસ: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 3 જૂનને સાયકલની વ્યક્તિત્વ, ટકાઉપણું અને વૈવિધ્યતાને સ્વીકારતા વિશ્વ સાયકલ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જે બે સદીઓથી ઉજવવામાં આવે છે. આ દિવસ બાળકો, યુવાનોના સ્વાસ્થ્યને ફીટ રાખવા પ્રોત્સાહિત કરે છે આમ સાયકલ ચલાવવાના છે અનેક ફાયદાઓ.
લોકો અંતર કાપવા માટે સાયકલનો ઉપયોગ કરવા પ્રેરાય છે. ખાસ કરીને શહેરોમાં જો બાઈક અથવા અન્ય ડિઝલ-પેટ્રોલ આધારિત વાહનોને બદલે સાયકલનો ઉપયોગ કરવામાં આવે તો દરરોજ હજારો લીટર પેટ્રોલનો વપરાશ ઓછો થશે અને શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટશે. ખાસ કરીને કોરોના સમય ગાળામાં સાયકલનું મહત્ત્વ વધુ વધી ગયું છે. આ સામાજિક અંતરને પણ અનુસરશે અને લોકો સુરક્ષિત રહેશે.
દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી ઓક્સિજન લેવલ સારૂં રહે : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો: ઈમ્યૂન સેલ્સ પણ એક્ટિવ થશે
સાયકલની અનેક વિશિષ્ટતા છે જેમ કે સાયકલીંગ કરવાથી શારિરીક, માનસિક સ્વાસ્થ્ય સારૂં રહે છે. સાથે-સાથે પર્યાવરણ અને અર્થતંત્ર માટે પણ ઘણી લાભકર્તા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે દરરોજ સાયકલીંગ કરવું અતિઆવશ્યક છે. જો તમે ફીટ અને સ્વસ્થ રહેવા માગતા હોવ તો કસરત કરવી જરૂરી છે. નિયમિત કસરત કરવાથી મેદસ્વીપણું, હૃદયરોગ, કેન્સર, માનસિક બિમારી, ડાયાબીટીશ સંબંધિત અનેક બિમારીઓ દૂર થાય છે. અનેક બિમારીઓથી દૂર રહેવાનો એકમાત્ર સરળ ઉપાય છે દરરોજ સાયકલ ચલાવવી.
- Advertisement -
રાજકોટના રંગીલા લોકો ખાવા-પીવાના શોખીન સાથે હેલ્થ કોન્સિયન્સ પણ છે ત્યારે આર.એમ.સી. દ્વારા પણ રાજકોટીયન્સ ફીટ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આમ સાયકલ ચલાવવા લોકો હવે અવેર થયા છે તેમજ પહેલાંના સમય કરતાં હાલમાં સાયકલની કિંમત વધુ હોવા છતાં લોકો સાયકલનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય અને ફીટ રહેવા માટે કરતાં થયા છે.