બ્રિજ ખુલ્લો મુક્યાને હજુ એક જ વર્ષ થયું ત્યાં જર્જરિત: તંત્ર સામે સવાલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં 100 કરોડના ખર્ચે બનેલા થ્રી આર્મ ફ્લાયઓવરમાં તિરાડો જોવા મળી હતી. આ બ્રિજ ખુલ્લો મુકાયાને હજુ એક વર્ષ થયું છે ત્યાં તિરાડો જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તા. 19 ઓક્ટોબર 2022માં આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેને હજુ એક વર્ષ સમય વીત્યો છે ત્યાં જ ઓવરબ્રિજમાં તિરાડો પડી રહી છે. આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. પરંતુ એક જ વર્ષમાં આ બ્રિજના કામમાં લાલિયાવાડી જોવા મળતા હવે લોકોને ડર લાગી રહ્યો છે. જો બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય અને તેની ગુણવત્તા નબળી હોય તો મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જ્યારે અગાઉ પણ ગોંડલ ચોકડીના બ્રિજમાં પણ પોપડા ખરવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ ઓવરબ્રિજમાં પણ ખીલ્લાઓ દેખાતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
હોસ્પિટલ ચોક બ્રિજની મુલાકાત લેતા મેયર, સ્ટે.ચેરમેન, દંડક સહિતના પદાધિકારીઓ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, હોસ્પિટલ ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવેલો છે. આ ફ્લાયઓવર બ્રિજમાં તિરાડ પડેલી હોવા અંગે આજ તા.06/11/2023ના રોજ રૂબરૂ રજુઆત મળી હતી. રજુઆતને પદાધિકારીઓ દ્વારા ગંભીરતા લઈને ટેકનિકલ અધિકારીઓની ટીમને સાથે રાખીને હોસ્પિટલ ચોક ફ્લાયઓવર બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવેલ. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, સિટી એન્જી. એચ.યુ. દોઢીયા, એચ.એમ.કોટક પણ ઉપસ્થિત રહ્યા હતા.
પદાધિકારીઓ દ્વારા સીટી ઇજનેરોને સાથે રાખી રૂબરૂ નિરીક્ષણ કરતા, સીઝનલ વાતાવરણની અસરના કારણે બ્રિજના પિલરની જોઇન્ટ્સમાં એક્સપાન્શન/કોન્ટ્રક્શનના કારણે તિરાડ થતી હોય છે, તેવી જ તિરાડ જોવા મળેલ છે. આમ, સલામતિની દ્રષ્ટિએ બ્રિજમાં કોઈ ગંભીર ખામી ક્ષતિઓ જોવા મળેલ નથી. આમ છતાં, રાહદારીઓની સલામતીને સ્પર્શતી બાબત હોઈ કોઈજ કચાશ રહી જવા ન પામે તે સુનિશ્ચિત કરવા બ્રિજના સ્ટ્રક્ચરલ સેફટી અંગે ફરી એક વખત વિગતવાર તપાસ કરી રિપોર્ટ કરવા સીટી એન્જીનિયર સહિતના અધિકારીઓને સ્થળ પરથી જ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.