જડબેસલાક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગરૂમમાં EVM મશીનો સીલ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણીતંત્રની ખાસ કવાયતથી ચાર વિધાનસભા બેઠક 90-સોમનાથ, 91-તાલાળા, 92-કોડીનાર અને 93-ઉના માટે સમગ્ર જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાં જ તમામ ઈવીએમને જડબેસલાક સુરક્ષા વચ્ચે વેરાવળ ખાતેની એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. અહીં અલગ-અલગ વિધાનસભાના કુલ 8 સ્ટ્રોંગરૂમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 90-સોમનાથના 3, 91-તાલાળાના 2, 92-કોડીનારનો 1 અને 93-ઉનાના 2 સ્ટ્રોંગરૂમનો સમાવેશ થાય છે. 91-તાલાળા કાઉન્ટીંગ ઓબ્ઝર્વર તરીકે ભારતના ચૂંટણીપંચે અશ્ર્વિનીકુમાર મોહલની નિમણૂંક કરી છે. જ્યારે 93-ઉનાના ઓબ્ઝર્વર તરીકે સૌમ્યજીત ઘોષની નિમણૂંક કરવામાં આવી છે.
મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમને સુરક્ષિત મૂકી તેમના પર કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. સીએપીએફની કંપની રાઉન્ડ ધી ક્લોક સઘન પહેરો આપી રહી છે તો સંકુલને પણ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મતગણતરીના દિવસે 250 કરતા વધુ કર્મચારીઓ અને 300 કરતા વધુ પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે અને તા.8ના રોજ મતગણતરીના દિવસ સુધી એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટ ખાતે લોખંડી સુરક્ષા અકબંધ રહેશે. કાઉન્ટિંગ સેન્ટરમાં અલગ રૂમમાં સુનિયોજીત બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેથી મતગણતરીના દિવસે ભારતીય ચૂંટણીપંચ દ્વારા જેમના પણ પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેવા મીડિયા પર્સનને પણ કોઈ મુશ્કેલી ન પડે.