ખાસ-ખબર સંવાદદાતા
દીકરીઓના જન્મને વધાવવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ સ્ત્રી ભૃણ અટકાયતી કાયદો પીસી પીએનડીટી એકટ હેઠળ કાયદાકીય કામગીરી પણ કરવામાં આવે છે. સી.ડી.એચ.ઓ. ડો.અરુણ રોયના સૂચન અન્વયે તા.06ના રોજ જિલ્લામાં પીસી પીએનડીટી સેલના નોડલ ઓફિસર ડો.એ.બી.ચૌધરી અને ડીસ્ટ્રીકટ પ્રો.આસી. યોગેશ કીંદરખેડીયા દ્વારા વેરાવળ તાલુકાના અલગ અલગ ઇમેજિંગ સેન્ટરો અને ગાયનેક હોસ્પિટલોની આકસ્મીક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા પીસી પીએનડીટી એક્ટના નિયમોનુસાર નિભાવવાના થતા રેકર્ડ રજીસ્ટરો, ફોર્મ-એફ, સોનોગ્રાફી મશીન અને ઇમેજિંગ મશીનના મોડેલ તેમજ સિરિયલ નંબર ચેકિંગ, ભૃણ પરીક્ષણ અંગેનું બોર્ડ તેમજ અન્ય કાયદાને લગત વિગતોની સઘન તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરને ભૃણ પરીક્ષણ અંગે કાયદાનું ચુસ્ત પાલન કરવા તેમજ પોતાની હોસ્પિટલના પીસી પીએનડીટી કાયદા હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે તાકીદ કરવામાં આવેલ.
વેરાવળની હોસ્પિટલોમાં ઈમેજિંગ સેન્ટરોની પીસી પીએનડીટી એક્ટ હેઠળ થઈ તપાસ
