રસોઈ બનાવનાર અનુસૂચિત જાતિના હોવાથી વાલીઓએ બાળકોને ના પાડી હોવાનો આક્ષેપ
તંત્રએ તપાસ સમિતિની ટીમ બનાવી તાત્કાલિક ગામમાં મોકલી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં અગાઉ અલગ અલગ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિની મહિલાના હાથે બનેલ ભોજન ન લેવાની ઘટનાઓ બની હતી ત્યારે મોરબી જીલ્લામાં પણ આવી એક ઘટના સામે આવી છે. મોરબી તાલુકાના સોખડા ગામની પ્રાથમિક શાળામાં ગત જૂન મહિનાથી અનુસૂચિત જાતિની મહિલાને મધ્યાહન ભોજન અને બાળકોને પીરસવાનું કામ મળ્યું છે જોકે આ કામ મળ્યા બાદ ગામના બાળકોએ મધ્યાહન ભોજન લેવાનું બંધ કરી દીધું હતું જે અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નાયબ મામલતદાર, કેળવણી નિરીક્ષક અને શિક્ષકોની ટીમની નિમણુંક કરી તપાસ સમિતિ બનાવીને તાત્કાલિક તપાસ માટે સોખડા પ્રાથમિક શાળામાં મોકલવામાં આવ્યા હતા.
તપાસ સમિતિની ટીમ દ્વારા સમગ્ર ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં તેઓએ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષણ સમિતિ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બાળકો સ્વૈચ્છિક રીતે જમતા ન હોવાનો અને ગામમાં જ્ઞાતીનો ભેદભાવ ન હોવાનો સરપંચ સહિતના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ મધ્યાહન ભોજનનું સંચાલન કરનાર ધારાબેન મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે, મારી નિમણુંક જૂન મહિનાથી જ થઈ છે તે પહેલા 130 વિદ્યાર્થીઓ હતા ત્યારે બધા બાળકો જમતા હતા જયારે હાલમાં 153 વિદ્યાર્થીઓ છે પરંતુ હું અનુસૂચિત જાતિની છું એટલે કોઈ બાળકો જમતા નથી. અમે બાળકોને પૂછીએ તો અમને ઘરે માતા પિતા ના પાડે છે અને માતાજી ના પાડે એવો જવાબ બાળકો આપતાં હોવાનું જણાવ્યું હતું જોકે આ સમગ્ર ઘટનામાં હાલ સાચું શું છે તે કહેવું તો મૂંઝવણભર્યું છે.