કોર્પો.માં ભળેલા કણકોટમાં આવેલા હા.બોર્ડના કવાર્ટરમાં રહેતા લોકો રસ્તે ઉતર્યા
રૂડાએ લાઈન બંધ કરી અને કોર્પો.ની લાઈન પહોંચી નથી, ટેન્કરના ફેરા: તંત્રમાં દોડધામ
અહેવાલ : ધર્મિષ્ઠા ગૌસ્વામી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચાલુ વર્ષે પણ સારો વરસાદ પડયો છે અને તમામ જળાશયો છલકાઈ ગયા છે. હવે ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે. તેમાં પણ ખાસ કરીને નવા ભળેલા વિસ્તારો કે જયાં હજુ સુધી પાણીની લાઈન પહોંચી નથી ત્યાં લોકો પાણી માટે પરાધીન છે.
- Advertisement -
આ સંજોગોમાં કાલાવડ રોડ ઉપર આવેલા અને સાડા ત્રણ વર્ષ પહેલા રાજકોટ મહાપાલિકામાં ભળેલા કણકોટ ગામે ઘણા દિવસોથી પીવાનુ પાણી મળવાનુ બંધ થઈ જતા આજે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આજે સવારે કાલાવડ રોડ ઉપર ચકકાજામ કરતા બે કિ.મી. લાંબી વાહનોની લાઈન લાગી ગઈ હતી. સવારમાં 8 વાગ્યામાં પાણી સહિતની સુવિધાઓની માંગણી સાથે લોકોએ આંદોલન શરૂ કરતા અને વાહનોની લાઈન થઈ જતા પોલીસ કાફલો દોડયો હતો તો મહાપાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર ગયા છેે.
કણકોટ ગામનો વિસ્તાર કોર્પો.ની ગત ચૂંટણી પહેલા મ્યુનિ. કોર્પો.માં ભળ્યો હતો. આ વિસ્તાર અગાઉ રૂડામાં આવતો હતો. અહીં 22 વર્ષ પહેલાના કણકોટના પાટીયા તરીકે ઓળખાતા હાઉસીંગ બોર્ડ સોસાયટીના મકાનો આવેલા છે. 500થી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે અને 1500 જેટલા લોકો બે દાયકાથી પીવાનુ પાણી, સ્ટ્રીટલાઈટ, ભૂગર્ભ ગટર, રસ્તાની સુવિધા માંગે છે. હવે થોડા દિવસ પહેલા આ વિસ્તારના લોકોને જયાંથી પીવાનુ પાણી મળે છે તે પાઈપલાઈન રૂડાએ બંધ કરી દીધી છે.
આથી લોકોને પીવાનુ પાણી મળવાનુ બંધ થઈ જતા ભારે હાલાકી છે. મનપામાં સતત રજુઆતો છતાં કોઈ વ્યવસ્થા ન થતા આજે સવારમાં ભાઈઓ અને બહેનો મેઈન રોડ ઉપર આવી ધરણા પર બેસી ગયા હતા. લોકોએ કટારીયા ચોકડીથી ન્યારી ડેમ ખૂણા વચ્ચેનો કણકોટ સહિતનો રોડ બંધ કરી દેતા નાના-મોટા વાહનોની લાઈન લાગી ગઈ હતી. આ અંગેની જાણ થતા ટ્રાફીક પોલીસ કાફલો સ્થળ ઉપર દોડયો હતો. લોકોએ જયાં સુધી તેમને પીવાના પાણીની સુવિધા માટેની ખાત્રી નહીં મળે ત્યાં સુધી ઉભા નહી થવા કહી દીધુ હતુ. આ બાદ મનપાના તંત્રવાહકો રૂબરૂ ન આવે અને ખાત્રી ન આપે ત્યાં સુધી નહી હટે તેવુ જણાવતા દોડાદોડી થઈ પડી હતી.
- Advertisement -
વિસ્તારના લોકોએ જણાવ્યુ હતુ કે હાઉસીંગ બોર્ડની આ સોસાયટીમાં 22 વર્ષથી 500થી વધુ પરિવારો વસવાટ કરે છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને હાલના મંત્રી ભાનુબેન બાબરીયા, મોટા મવા ગ્રામ પંચાયત, રૂડાને પણ અવારનવાર રજુઆતો કરવામા આવી છે પરંતુ આજ સુધી ખાત્રી સિવાય કશું મળ્યું નથી. આ અંગેની અરજી પણ કોર્પો. તંત્રને આપવામા આવી છે.
રોજ વેચાતુ પાણી લેવુ પડે છે. દરમ્યાન આ અંગે વેસ્ટ ઝોનના સીટી ઈજનેર કુંતેશ મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ વિસ્તાર વોર્ડ નં.11માં ભળેલો છે. રૂડાની લાઈનમાંથી તેમને પાણી અપાતુ હતુ પરંતુ હવે આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. આ કારણે મનપા દ્વારા ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરવામા આવી છે. જરૂર પડયે વધુ ટેન્કર મોકલવામા આવશે.