પંચમહાલના શહેરા તાલુકાના સાદરા ગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ટીંબાના મુવાડા માછી ફળિયામાં આવેલ પાનમની માઇનોર કેનાલ છલકાતા પાણીનો ખોટો વેડફાટ થયો હતો. માઇનર કેનાલનું પાણી રસ્તા પર તેમજ અમુક રહેણાંક ઘરના આંગણામાં ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી.
શહેરા તાલુકાના સાદરા ગ્રામ પંચાયતમાં આવેલ ટીંબાના મુવાડા માછી ફળિયા ની વચ્ચેથી પાનમ ની માઇનોર કેનાલ પસાર થાય છે. હાલમાં શિયાળુ પાક માટે પાનમની મુખ્ય કેનાલમાં પાનમ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા અહીથી પસાર થતી માઇનોર કેનાલ પાણીથી છલોછલ થતા આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જોકે માઇનોર કેનાલ નું પાણી જાહેર રસ્તા પર અને અમુક રહેણાંક ઘરના આંગણામાં પાણી ભરાઈ જતાં અહીંના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પરેશ માછી,રાજેન્દ્ર ભાઈ ચોહાણ, વિજય સિંહ ,કાળા ભાઈ નાનાભાઈ માછી સહિત અન્ય લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ખેતી પાક માટે પાણીની જરૂર હોય ત્યારે માઈનોર કેનાલનુ પાણી જોઈએ તેટલું મળતુ નથી.
- Advertisement -
હાલમાં ખેતી માટે પાણીની જરૂર નથી ત્યારે માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવવા સાથે પાણી ઉભરાઈ ને આજુબાજુનો વિસ્તારમાં વહેતું જોવા મળી રહ્યુ છે.પાછલા કેટલાક દિવસોથી અહીં આવેલ પાનમની માઇનર કેનાલ પાણીથી છલોછલ થતા પાણીનો ખોટો વેડફાટ થતો હોવાથી અહીંના રહીશોનો તંત્ર સામે આક્રોશ ફેલાયો હતો.
- Advertisement -
આવનાર 22 ડિસેમ્બરના રોજ આજ ફળિયામાં ચામુંડા માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞ હોવાથી હાલમાં જોવા મળતી પરિસ્થિતિને લઈને અહીંના રહીશો ચિંતિત થઈ ઉઠયા હતા.પાનમની માઈનોર કેનાલનુ વેડફાઈ રહેલ પાણી બંધ થાય અને કેનાલ ની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ અહીના લોકોમાંથી ઉઠી છે..