દિવ્ય ભાસ્કર, સાંજ સમાચાર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને આજકાલની જીત
ક્રિકેટરસિકોએ મુકાબલાઓને એકીટશે નિહાળ્યા
ક્રિકેટનો ‘તહેવાર’ આઈપીએલ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે તે પહેલાં મીડિયાકર્મીઓની ‘આઈપીએલ’ શાનદાર રીતે આગળ ધપી રહી છે. દરમિયાન રવિવારે રમાયેલી ચાર મેચમાં બેટર્સ અને બોલર્સ સોળે કળાએ ખીલી ઉઠ્યા હોય તેવી રીતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને વિકેટના પતને મેચમાં ‘પૈસાવસૂલ’ જમાવટ કરી બતાવી હતી. એકંદરે રસાકસીયુક્ત બનેલા ચારે મુકાબલાઓને ક્રિકેટરસિકોએ એકીટશે નિહાળી તાળીઓના ગડગડાટથી ખેલાડીઓને વધાવી લીધા હતા. બીજી બાજુ બોલ બાય બોલ કોમેન્ટ્રી, બારીકાઈભર્યું અમ્પાયરિંગ સહિતનાથી મેચમાં આંતરરાષ્ટ્રીય કક્ષા જેવો માહોલ સર્જાયો હતો. રેસકોર્સ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રના જાણીતા કોમેન્ટેટર મુકેશ પંડ્યાએ કોમેન્ટરી કરી ક્રિકેટરસિકોને બાંધી રાખ્યા હતા.
ઈલેક્ટ્રોનિક મીડિયા-સંદેશ
પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ઉપર ઈલેક્ટ્રોનિક મીડિયા અને સંદેશ વચ્ચે રમાયેલી મેચમાં ઈલેક્ટ્રોનિક મીડિયા ટીમની જીત થઈ હતી. આ મેચમાં ટીમ સંદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 90 રન બનાવ્યા હતા. સંદેશ વતી સૌથી વધુ 19 રન રાજે બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ઈલે.મીડિયા વતી ગૌતમ ભેડાએ ચાર વિકેટ ખેડવી હતી. જવાબમાં ઈલેક્ટ્રોનિક મીડિયાએ 9.3 ઓવરમાં જ 90 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઈલે.મીડિયા વતી ભાવેશ લશ્કરીએ અણનમ 59 રન બનાવ્યા હતા. આ મેચના મેન ઑફ ધ મેચ તરીકે ઈલે.મીડિયાના ગૌતમ ભેડાની પસંદગી કરવામાં આવી હતી.
- Advertisement -
સાંજ સમાચાર-કાઠિયાવાડ પોસ્ટ
રેસકોર્સના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર રમાયેલી સાંજ સમાચાર-કાઠિયાવાડ પોસ્ટ વચ્ચેની મેચમાં સાંજ સમાચારે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા. સાંજ સમાચાર વતી રાકેશ પડધરીયાએ 42, હાતિમ ભારમલે 19, હુસેન ભારમલે 67 અને ધર્મેશે અણનમ 43 રન બનાવ્યા હતા. 179 રનના લક્ષ્યાંકના જવાબમાં કાઠિયાવાડ પોસ્ટ 89 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કાઠિયાવાડ પોસ્ટ વતી રક્ષિત વ્યાસે સૌથી વધુ 49 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાંજ સમાચાર વતી બોલિંગમાં ભાર્ગવ રાવલ-રાકેશ પડધરીયાએ ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. આ મેચમાં ઑલરાઉન્ડ દેખાવ કરનાર રાકેશ પડધરીયાની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરાઈ હતી.
આજકાલ-અબતક
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજકાલ-અબતક વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં આજકાલે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 145 રન બનાવ્યા હતા. આજકાલ વતી કુલદીપ રાઠોડે અણનમ 48 તો અજય વ્યાસે 45 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બોલિંગમાં અબતક વતી સંજયે ચાર તો તેજસે બે વિકેટ ઝડપી હતી. આજકાલે આપેલા 146 રન સામે ટીમ અબતક 135 રન જ બનાવી શકતાં તેનો 16 રને પરાજય થયો હતો. અબતક વતી સંજયે 42, રોહિતે 16, મોનીલે 17 અને ઉર્વીલે 12 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચના મેન ઑફ ધ મેચ તરીકે અબતકના સંજયની પસંદગી કરવામાં આવી હતી.
શનિવારની મેચ: કાઠિયાવાડ પોસ્ટ V/S ઈલેક્ટ્રોનિક મીડિયા
સવારે 8 વાગ્યે
- Advertisement -
રવિવારની મેચ : અબતક V/S ફૂલછાબ
સવારે 8 વાગ્યે
સાંજ સમાચાર V/S ગુજરાત મિરર
સવારે 11 વાગ્યે
હેડલાઇન V/S આજકાલ
બપોરે 2 વાગ્યે
દિવ્ય ભાસ્કર-હેડલાઈન
પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પર રમાયેલી દિવ્ય ભાસ્કર-હેડલાઈન વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં દિવ્ય ભાસ્કરે 20 ઓવરમાં 110 રન બનાવ્યા હતા જેમાં શિવાંગે 39, દિલીપે 10, રાકેશે 11 રનનું યોગદાન મુખ્યત્વે આપ્યું હતું. બોલિંગમાં હેડલાઈન વતી અનિરુદ્ધ નકુમે ચાર, યોગીએ બે અને રવિએ એક વિકેટ મેળવી હતી. 111 રનના લક્ષ્યાંક સામે ટીમ હેડલાઈન 20 ઓવરમાં 106 રન જ બનાવી શકતાં ત્રણ રને તેનો પરાજય થયો હતો. હેડલાઈન વતી અનિરુદ્ધ નકુમે 28, દીપુએ 9, નિખીલ પોપટે 16 અને રવિએ 12 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બોલિંગમાં દિવ્ય ભાસ્કર વતી મહેન્દ્રસિંહ જાડેજાએ ત્રણ, અક્ષયે ત્રણ, રાજેશે બે અને દિલીપે એક વિકેટ મેળવી હતી. આ મેચમાં મેન ઑફ ધ મેચ તરીકે મહેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.