ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલામાં આજે સવારે લોહાણા મહાજનવાડી પાસે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને મંત્રી રાજુભાઈ નાગ્રેચા પર પાર્કિંગના મુદ્દે પેન્ટર ગોરી અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો . આ ઉપરાંત, લુહાર સમાજના એક વ્યક્તિ પર પણ હુમલો થયો છે.ઘાયલોને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ શહેરમાં ભારે તણાવ ફેલાયો છે અને લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. પોલીસ તંત્રે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લોહાણા મહાજનવાડી પાસેના પાર્કિંગના મુદ્દે પેન્ટર ગોરી અને તેના સાગરીતોએ આ હુમલો કર્યો હતો. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા બપોર પછી સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે. પોલીસ તંત્રે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ હુમલાની ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ છે. લોકો માંગ કરી રહ્યા છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ ન બને તે માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે. શહેરના વિવિધ સંગઠનો દ્વારા આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. સામે આવેલ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે પણ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.