બોધામૃત
ચારિત્ર્ય માણસની સૌથી મોટી સંપતિ છે. જો ચારિત્ર્યની જાળવણી નહિ કરી શકીએ તો ટોચ પર પહોંચીને પણ નીચે પડવાની તૈયારી રાખવી પડશે
કથામૃત: ફાંસનાં અર્થશાસ્ત્રી ડોમિનિક સ્ટ્રોસ કાન એની વિષય નિપૂણતાને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ હતા. ડોમિનિક સ્ટ્રોસ કાન એની વિદ્વત્તાને લીધે ઇન્ટરનેશનલ મોનિટરીંગ ફંડ એટલે કે ઈંખઋનાં પ્રેસિડેન્ટ બન્યા હતા. ઈંખઋ વિશ્વના જુદા જુદા દેશોને નાણાકીય સહાય કરવાનું કામ કરે છે. ડોમિનિક સ્ટ્રોસ કાન જે પદ પર બેઠા હતા એ કોઈ સામાન્ય પદ નહોતું. વિવિધ દેશના પ્રમુખ અને વડાપ્રધાનો એમની સાથે વાત કરવા એમના સમયની રાહ જોતા હોય. 2012માં ફ્રાન્સમાં ચુંટણી યોજાવાની હતી.
- Advertisement -
આ ચુંટણી દ્વારા ફ્રાન્સની પ્રજા એના નવા પ્રમુખની પસંદગી કરવાની હતી. પ્રમુખપદ માટેની આ ચુંટણીમાં ડોમિનિક સ્ટ્રોસ કાન પણ પ્રમુખપદના ઉમેદવાર હતા. ફ્રાન્સની મોટા ભાગની જનતા આવા વિદ્વાન વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ સ્થાન પર બેસાડવા માંગતી હતી. પ્રમુખ તરીકેની એમની જીત નિશ્વિત જ હતી. પરંતુ એક એવી ઘટના બની કે જે ઘટનાએ આખું ચિત્ર જ બદલી નાખ્યું. ચુંટણી પૂર્વે 2011માં મેં મહિનાની 14મી તારીખે ડોમિનિક સ્ટ્રોસ કાન અમેરિકાના ન્યુયોર્કની હોટેલ સોફટેલમાં રોકાયા હતા. સ્ટ્રોસ કાને આ હોટેલમાં કામ કરતી નસિફાતો નામની એક વેઈટ્રેસની છેડતી કરી હોવાનો તેના પર આરોપ મુકાયો. સામાન્ય કામવાળી તરીકે કામ કરતી આ સ્વાભિમાની ભાઈએ કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર કે કોઈ જાતનો દર રાખ્યા વગર વિશ્વની સૌથી મોટી ગણાતી નાણા સંસ્થાના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ કરી અને સ્ટ્રોસ કાનની ઘડપકડ થઇ. સ્ટ્રોસ કાનની ધડપકડ થયાની વાત સમગ્ર વિશ્વમાં વાયુવેગે ફેલાઈ ગઈ.
પોલીસ દ્વારા ધડપકડ થયાના માત્ર 4 જ દિવસ બાદ તા.18મી મેં 2011ના રોજ સ્ટ્રોસ કાનએ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું. વિશ્વભરના પ્રમુખો અને વડાપ્રધાનો જેને મળવા માટે લાઈન લગાવતા એવું પ્રતિષ્ઠિત પદ તો ગુમાવ્યું જ પણ સાથે સાથે ફ્રાન્સની પ્રજાના હૃદયમાં રહેલું સ્થાન પણ ગુમાવ્યું. ફ્રાન્સની પ્રજાએ જેને દેશના પ્રમુખ બનાવવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો તેમણે પણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ડોમિનિક સ્ટ્રોસ કાનને ફ્રાન્સના પ્રમુખ ન બનવા દીધા. એક નાની ભૂલને કારણે સ્ટ્રોસ કાનની કારકિર્દી રોળાઈ ગઈ અને તેમને ટોચ પરથી પછાડીને ઊંડી ખીણમાં નાંખી દીધા.