- નિલેશ દવે
જે રીતે અર્નબ ગોસ્વામી પોતાની ચેનલ પરથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગૃહ પ્રધાન અમિત દેશમુખ અને મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહને ખુલ્લેઆમ વન ટુ વન સામે આવવાની ધમકી આપી રહ્યો હતો તે જોતાં એક વાત નક્કી હતી કે ગમે ત્યારે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ગાજ તેના પર પડશે. અર્નબ જે કરી રહ્યો હતો તે પત્રકારત્વ ન હતું, પરંતુ તેની સાથે જે થયું છે તે પણ રાજ્ય સરકારની ખુન્નસ ભરેલી નીતિ સિવાય બીજું કંઈ નથી તેમ કહી શકાય છે. પત્રકારનું કામ જે રીતે માત્ર સમાચાર લોકો સુધી પહોંચાડવાનું, કંઈ ખોટું થતું હોય તો તેને બહાર લાવવાનું છે, પરંતુ પત્રકારત્વના નેજા હેઠળ માત્ર કોઈ એક પક્ષને જ ટાર્ગેટ કરવું એ પત્રકારત્વ નથી. આપણે અહીં પત્રકારત્વની વાત બાજુએ મૂકીએ અને મહારાષ્ટ્રમાં સરકારના પ્રવક્તા તરીકે છાશવારે નિવેદનો કરતાં સંજય રાઉતે આપેલા એક નિવેદન પર નજર નાખીએ તો સમજાશે કે ક્યાં શું ખોટું થઈ રહ્યું છે. અર્નબની ધરપકડ બાદ સંજય રાઉતે એવું નિવેદન આપ્યું હતું કે આ કોઈ બદલાની રાજનીતિ નથી, અર્નબ સામે કાયદા પ્રમાણે જ પોલીસે કાર્યવાહી કરી છે. આ નિવેદન સચ્ચાઈથી ખૂબ દૂર છે. કેવી રીતે આપણે જોઈએ.
આ આત્મહત્યાનો કેસ રાયગઢ પોલીસનો છે, મુંબઈ પોલીસને આમાં કોઈ લેવા દેવા નથી. તેમ છતાં આખી પ્રક્રિયા મુંબઈ પોલીસ દ્વારા થઈ, ચાલો એ પણ જવા દો, અર્નબ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર જે પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોય તેમણે અર્નબની ધરપકડ માટે જવું જોઈએ, પરંતુ મુંબઈ પોલીસે આને માટે એક બીજા પોલીસ અધિકારીની નિમણૂક કરી. સૌથી મહત્ત્વની વાત આ જ છે અને ઘણા લોકોનું ધ્યાન આ બાબત પર નથી ગયું, મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના વડા સચિન વઝેને ઓપરેશન અર્નબનું કામ સોંપવામાં આવ્યું હતું. અર્નબની ધરપકડ કરવા ગયેલી ટીમનું નેતૃત્વ પોલીસ અધિકારી સચિન વઝે કરી રહ્યા હતા. હવે સચિન વઝે કોણ છે એ જાણવું બહુ જરૂરી છે. સચિન વઝે 1990માં મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયો હતો અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ટીમમાં જોડાયા બાદ સચિન વઝે લાઈમલાઈટમાં આવ્યો હતો. 2002માં ખ્વાજા યુનુસના કસ્ટોડીયલ ડેથમાં સચિન વઝે પણ એક આરોપી હતો, આ કેસને કારણે 2004માં 14 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં સચિન વઝે પણ સામેલ હતો.
સસ્પેન્શનથી કંટાળીને સચિન વઝેએ 2007માં મુંબઈ પોલીસને રામરામ કર્યા અને રાજીનામું આપી દીધું. ત્યાર બાદ 2008માં વઝે અધિકારીક રીતે શિવસેનામાં જોડાયા. એ સમયે ભાજપ અને સેના સાથે સાથે જ હતા અને મોદીકાળની શરૂઆત થઈ ન હોવાથી શિવસેના મહારાષ્ટ્રમાં મોટા ભાઈની ભૂમિકામાં હતો. 2019માં ભાજપ સાથે છૂટાછેડા લઈને શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે સરકાર બનાવી, ત્યાર બાદ માર્ચ 2020 પછી તરત જ કોરોનાએ સમગ્ર દેશ કે વિશ્ર્વને ભરડો લઈ લીધો. આ સમયે જૂન 2020માં સચિન વઝેને ફરીથી મુંબઈ પોલીસમાં સામેલ કરવામાં આવ્યા. હવે નિયમ પ્રમાણે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, પરંતુ વઝેએ શિવસેનામાંથી રાજીનામું આપ્યું છે કે કેમ તે માત્ર સેના અને વઝે જ જાણે, પરંતુ જૂન મહિના પછી વઝેએ કામ કરવાનું શરૂ કરી દીધું. વઝેની ગણના હાલના મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહના સૌથી વિશ્ર્વાસુ માણસ તરીકે થાય છે. એક રીતે વઝે મુંબઈ પોલીસના ગોલ્ડન સમયના જે અધિકારીઓ હતા એ બધા સાથે કામ કરી ચૂક્યો છે અને કોઈ પણ ઓપરેશન કેવી રીતે પાર પાડવું એની યોજના બનાવવામાં એ માહેર છે.
મુંબઈના જે કેટલાક ટોચના કાબેલ અને બાહોશ પોલીસ અધિકારીઓ હતા તેમાં વઝેની ગણના થાય છે અને કાયદાની રીતે કે ગેરકાયદે કોઈ પણ કામને કેવી રીતે અંજામ આપવો એમાં તે હોશિયાર છે. એટલે જ અર્નબની ધરપકડની જવાબદારી મુંબઈ પોલીસે વઝેને સોંપી હતી તેવું લાગી રહ્યું છે. બીજું 12 વર્ષ સુધી સેનામાં રહ્યા પછી સેનાના પદાધિકારીઓથી લઈને ટોચના નેતાઓ સુધી વઝેની વગ હોય એ સ્વાભાવિક છે અને એ પક્ષ પ્રત્યે તેની વફાદારી હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ આને લીધે મુંબઈ પોલીસ અને શિવસેના વચ્ચે સીધું કનેક્શન સાબિત થાય છે અને સંજય રાઉતનો દાવો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે રાજ્ય સરકાર કોઈ આદેશ નથી આપી રહી કે બદલાની ભાવનાથી કોઈ કામ નથી કરી રહી એ પોકળ સાબિત થાય છે. અર્નબની ધરપકડ સાથે મીડિયા પણ હવે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક વર્ગ એવો છે જે અર્નબની તરફેણ કરે છે જ્યારે બીજો વર્ગ એવો છે કે જે તેની વિરુદ્ધમાં કે તેના પત્રકારત્વની સ્ટાઈલની વિરુદ્ધમાં છે. જે હોય તે પત્રકારો પર હુમલો વખોડવાલાયક તો છે જ. કેન્દ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર ચોથી જાગીર ગણાતા પત્રકારોને જો નિષ્પક્ષ નહીં રહેવા દે તો સમગ્ર ભારતમાં જંગલરાજ શરૂ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.