એક શાળામાં સફાઈ કામદાર શિક્ષકની ભૂમિકામાં… તો બીજી શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કામદારની ભૂમિકામાં

રાજકોટની શાળા નં.81માં બે બાળકને જીવનાં જોખમે સ્કૂલનાં છજા પર ચડાવી સાવરણા પકડાવી સફાઈ કરાવી

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના અશોક ગાર્ડન નજીક આવેલી શાળા નંબર 81માં બે વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાના છજા ઉપર ચડાવી સાવરણા પકડાવી સફાઈ કરાવવામાં આવી રહી હતી જેનો વિડીયો બહાર આવતા શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે. હંમેશની જેમ જવાબદારીથી હાથ ખંખેરી શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારે સમગ્ર મામલે શાળાના આચાર્ય અને શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરી છે. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમાર રાજકોટની સરકારી પ્રાથમિક શાળાઓમાં સબ સલામતની મોટી વાતો કરતા હોય છે, પરંતુ છાશવારે શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવતા હોવાના વીડિયો સામે આવતા હોય છે તો ક્યારેક સફાઈ કામદાર શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો નજરે ચડે છે. આખરે પંડિત અને પરમારના ભ્રષ્ટાચાર વચ્ચે સરકારી શાળાની ઘોર ખોદાદી ક્યારે બંધ થશે એ તો હવે ઈશ્વર જ જાણે.

પંડિત-પરમારને પોતાના લાગતા-વળગતા સિવાયની નવી ભરતી કરવી જ નથી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી શિક્ષણ સમિતિમાં ક્લાર્કથી લઈ શાળાઓમાં શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર ભરતી કરવાની સત્તા ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર પાસે છે આમ છતાં છેલ્લા ઘણા સમયથી તેઓ કાયમી ભરતી કરી રહ્યા નથી કારણ કે, તેઓને પોતાના લાગતા વળગતાને કોન્ટ્રાક્ટ બેઝ પર ઘૂસાડવા છે. કાયમી ભરતી મુદ્દે અતુલ પંડિત અને કિરીટ હરિ પરમાર એકબીજા પર ખો આપી રહ્યા છે જેથી શિક્ષણ સમિતિની કચેરીમાં અપૂરતો સ્ટાફ છે ઉપરાંત શાળાઓમાં પણ શિક્ષકોથી લઈ વહીવટી સ્ટાફની ઘટ છે. સફાઈ કામદાર ક્યારેક શિક્ષકની ભૂમિકામાં જોવા મળે છે તો વળી ક્યારેક વિદ્યાર્થીઓ સફાઈ કામદારની ભૂમિકામાં જોવા મળે છે.

રાજકોટની શાળા નં. 81માં વિદ્યાર્થીઓ પાસે સફાઈકામ કરાવતાં હોવાનો વાયરલ વિડીયો જોવા અહીં ક્લિક કરો…