ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જીલ્લામાં પોલીસ વિભાગમાં વિશેષ પ્રસંગ ઊજવવામાં આવ્યો હતો, જેમાં A.S.I. તથા હેડ કોન્સ્ટેબલના પ્રમોશન મેળવનાર પોલીસ કર્મચારીઓ માટે રેન્ક સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં D.T.C.હોલ, પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાયો હતો. આ પ્રસંગે 13 પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ. આઈ.ના પ્રમોશન અને 13 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકેના પ્રમોશન માટે પસંદગી આપવામાં આવી હતી. પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી., ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વિરલ દલવાડી, તેમજ પોરબંદર જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર તેમજ પ્રમોશન મેળવનારા પોલીસ કર્મચારીઓના પરીવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પ્રમોશન મેળવનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, “આજે આપનો ખાસ દિવસ છે, પરંતુ સાથે જ આપના ફરજો પણ વધ્યા છે. દરેક કાર્યમાં પણ હંમેશા ચેતન રહેવું અને આપણા વિસ્તારના નાગરિકોની સુરક્ષા માટે સમર્પિત રહેવું એ આપણી સૌથી મોટી જવાબદારી છે.”આ પ્રસંગે વધુમાં ભગીરથસિંહ જાડેજાએ વરિષ્ઠ અધિકારીઓને પણ સૂચના આપી કે તેઓ નવનિયુક્ત પ્રમોશન મેળવનાર કર્મચારીઓને માર્ગદર્શન આપે અને આગળ વધવા માટે સહયોગ પૂરો પાડે. રેન્ક સેરેમનીમાં પૂરેપૂરા ઉત્સાહ અને ગૌરવ સાથે તમામના ચહેરા પર સ્મિતો છવાઈ ગયાં, અને આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પોતાના કાર્યના મહત્વને પુન:મૂલ્યાંકન કર્યું.આ પ્રસંગે કર્મચારીઓના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.