કલેક્ટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રજુ કરાયો પૂર્વ અને પશ્ચિમ ભારતીય નૃત્ય સંગીતનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
ગૌફ રાસ, તલવાર રાસ, મહિલાઓ દ્વારા ગરબા, તરણેતરનો રાસ, ઉત્તર પૂર્વના પારંપારિક નૃત્ય અને સંગીતની આકર્ષક પ્રસ્તુતિઓએ દર્શકોના મન મોહી લીધા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
- Advertisement -
ભારતના અત્યંત પશ્ચિમ છેડાના દ્વારકાના નાથ દ્વારકાધીશ શ્રીકૃષ્ણના અત્યંત પૂર્વ છેડાના રાજકુમારી રુકમણીજી સાથેના સાંસ્કૃતિક સમાવેશિતા દર્શાવતા લગ્નની ઉજવણી તેમના લગ્નસ્થળ માધવપુર ખાતે વર્ષોથી કરવામાં આવે છે. માધવપુર ધેડનો મેળો ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત નું અભિન્ન અંગ છે. વર્ષોવર્ષ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ધેડ ના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રામનવમી અને સ્વામિનારાયણ જયંતીના પવિત્ર દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગઈકાલે મેળાના દ્વિતીય દિવસે સાંજે મહાનુભાવો અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ગૌફ રાસ, તલવાર રાસ, મેર મહિલાઓના ગરબા, તરણેતરનો રાસ, ઉત્તર પૂર્વનો પારંપારિક નૃત્ય અને સંગીતની રંગારંગ પ્રસ્તુતિઓએ માધવપુરના લોકોના મન મોહી લીધા હતા. આ સાથે કાર્યક્રમની ચરમસીમા રૂપે સૌ નૃત્ય ગ્રુપના કલાકારો એકસાથે મહાનૃત્ય રજુ કરીને તેમજ કૃષ્ણ રુક્મિણી ના વેશધારી કલાકારો સાથેની લગ્નના ફૂલેકાની કૃતીએ કાર્યક્રમને એક નવી જ ભવ્યતા અને દિવ્યતા આપી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ તમામને નાગરિકોને મતદાન માટે પ્રેરવા ચુંટણી પંચ દ્વારા નિર્મિત વિડિયો ’ હું ભારત છું, ભારત છે મુજમાં ’ દર્શાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોને મતદાતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
સંગીત સંધ્યા અંતર્ગત ઓસમાણ મીર અને આમીર મીર તેમજ કલાકારો દ્વારા શ્રી કૃષ્ણના લગ્નની ઉજવણીને અનુરૂપ તથા ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને દર્શાવતા સુરો અને લોકપ્રિય આધ્યાત્મિક ગીતોના સુર રેલાવ્યા હતાં.શ્રીકૃષ્ણ રુક્મિણીજીના આધ્યાત્મિક લગ્નની સંગીત સંધ્યાની અનુભૂતિ કરાવતા આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કલેકટરશ્રી કે. ડી. લાખાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠકકર,અધિક કલેકટર શ્રી રાયજાદા,પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અન્ય શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ પણ કાર્યક્રમને માણયો હતો.