લાયસન્સ રદ કરી સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા વિપક્ષી નેતાનો મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને પત્ર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર કામ કરતી એક શિપીંગ કંપ્ની દ્વારા લાયસન્સની શરતોનો ભંગ છતાં કોઇ પગલાં નહીં લેવાતા વિપક્ષના નેતાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ચીફ સેક્રેટરી પંકજકુમારને પત્ર લખી આ કંપનીનું લાયસન્સ રદ કરી સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.
વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રમાં જણાવ્યું છે કે શ્રીજી શિપીંગ કંપ્નીને રાજ્યના નવલખી અને મગદલ્લા બંદર ખાતે સ્ટીવડોરીંગ કોન્ટ્રાક્ટ આપવા માટે અન્ય કંપ્નીઓના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. એક જ કંપ્નીને લાભ આપવા માટે થયેલી આ કાર્યવાહીના હિસાબો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા કરાવવામાં આવે અને આ મદદગારી કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવામાં આવે. કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની રજૂઆત પછી વિપક્ષી નેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી પંકજકુમારને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે નવલખીમાં યુએસએલની દરિયાઇ સંપત્તિ બાર્જ, ટગ વગેરે શ્રીજી શિપીંગને તબદીલ કરવામાં આવી છે, જેના કારણે પરોક્ષ રીતે સ્ટીવડોરીંગ લાયસન્સ આ કંપ્ની દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ માટે ત્રણ કંપ્ની મરીન બલ્ક કાર્ગો મુવર્સ, ગૌતમ ફ્રેઇટ અને રૂષી શિપીંગનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.