ગઇકાલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોધરા અને મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકરે ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા, આરતીનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મધ્યમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલા શહેરના હાર્દ સમા સર્વેશ્ર્વર ચોક ખાતે સતત સાતમાં વર્ષે ગણપતિ મહોત્સવનું સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે મંગળા આરતી, સાંજે મહા આરતી તથા રાત્રે શયન આરતી કરવામાં આવતી હતી. આજે સવારે ગણપતિ બાપ્પાને ભાવભિની વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશોત્સવ દરમિયાન હજારો ભાવિકોએ સર્વેશ્ર્વર ચોક કા રાજા ગણપતિના દર્શન કર્યા હતા. દરરોજ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. ગઇકાલે એટલે કે ગણેશોત્સવના છેલ્લા દિવસે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોધરા અને મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકરે દુંદાળા દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો અને આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. આજે સવારે સર્વેશ્ર્વર ચોક કા રાજા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ગણપતિ બાપ્પાને વાજતે-ગાજતે અગલે બરસ તુ જલ્દી આના નાદ અને ભાવ સાથે ભાવભિની વિદાય આપી હતી. સર્વેશ્ર્વર ચોક કા રાજા ગણપતિ મહોત્સવના સતત સાતમાં વર્ષના આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.