ખનીજચોરીના દરોડામાં 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથક લાંબા સમયથી ખનીજ ચોરી માટે બદનામ છે. અવાર નવાર બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠતી હોવા છતાં તંત્ર ક્યારેક ક્યારેક ઉંઘમાં જાગે અને જાણે ટાર્ગેટ પૂરો કરવા એક-બે રેતી ચોરી કરતા વાહનો જપ્ત કરી પોતાની પીઠ થપથપાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તંત્રને જાણે રેતી ચોરી પકડવાનું સુરાતન ચડ્યું હોય તેમ બુધવારે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને તેમની ટીમે હળવદ શહેરની હદમાંથી રેતી ચોરી કરીને જતા જીજે-36-વી-4777 અને જીજે-36-ટી-7511 નંબરના 90 ટન રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા અને કુલ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ પોલીસના હવાલે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને ટ્રકચાલક હળવદના જ મિંયાણી ગામ આસપાસથી રેતી ભરીને નીકળ્યા હતા અને મોરબી તરફ જતા હોવાનું ખુલ્યું છે.