ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અન્વયે મોરબી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે સંબંધિત વિભાગોને 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન પણ વિવિધ રમતગમત તથા સંબંધીત આયોજનો કરવા સૂચનો કર્યા હતા. ઉપરાંત જ્યાં જ્યાં કાર્યક્રમ યોજાનાર છે ત્યાં યોગ્ય વ્યવસ્થાઓ કરવા પણ સંબંધિતોને સુચના આપી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી તારીખ 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે ત્યારે 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો અન્વયે 12 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ કોલેજ – મોરબી ખાતે યોજાશે. 13 સપ્ટેમ્બરના રોજ હળવદ, વાંકાનેર તથા મોરબી તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે. 14 તારીખે જિલ્લાની બાકી રહેતી તમામ કોલેજો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. ઉપરાંત તારીખ 15 અને 16 દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.