દેશમાં ડિઝિટલ ઈન્ડિયા અભિયાન સતત જોર પકડી રહ્યું છે અને કેશલેસ ચૂકવણામાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલે ભારત અનેક વિકસિત દેશો કરતાં પણ આગળ નીકળી ગયું છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કહ્યું કે સરેરાશ 90 લાખથી વધુ ડીબીટી (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર) ચૂકવણું પ્રતિદિવસ (2021-22)માં સંશોધિત કરવામાં આવે છે. એક દિવસમાં ભારતમાં સરેરાશ 28.4 કરોડ ડિઝિટલ લેવડ-દેવડ થઈ રહી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ડિઝિટલ ચૂકવણું અને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી)ના મામલે ભારત વિશ્વગુરુ બની ગયું છે અને ભારત વિકસિત દેશોને આ દિશામાં નવો માર્ગ બતાવવા માટે તૈયાર છે. ત્યાં સુધી કે જર્મની જેવો વિકસિત દેશ પણ ડિઝિટલ રીતે ડીબીટી ચૂકવણાના મામલે ભારત કરતાં પાછળ છે. મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ગત નાણાકીય વર્ષ 2021-22માં દૈનિક 90 લાખથી વધુ ડીબીટી ચૂકવણા કરવામાં આવ્યા છે જેનાથી 9.5 કરોડ લાભાર્થીઓને ફાયદો થયો છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં દૈનિક સરેરાશ 28.4 કરોડ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યું છે જે વિશ્વભરમાં સૌથી વધુ છે.
- Advertisement -
ડિઝિટલ ટ્રાન્ઝેક્શનના મામલે ચીન બીજા નંબરે તો અમેરિકા ત્રીજા નંબરે છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચાલું નાણાકીય વર્ષમાં 566 લાખ કરોહ રૂપિયાનું ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના આંકડા પ્રમાણે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના માધ્યમથી આ વર્ષે ઑગસ્ટ માસમાં 10.72 લાખ કરોડ રૂપિયાના 6.57 અબજ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે જે આ વર્ષે જૂલાઈના મુકાબલે ટ્રાન્ઝેક્શન ટર્મમાં 4.62%થી વધુ છે.