ડ્રાઈવરે એજન્સીના અધિકારીઓને ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ કરી હતી
રાજકોટના ત્રિકોણ બાગ નજીક સિટી બસનું ટાયર નીકળી જતા બસ ઢસડાઈ પડી હતી. 31 નંબરની બસ દોડી રહી હતી ત્યારે ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હોવાની ઘટના સામે આવી છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. ટાયર નીકળી જતા જ બસ ઢસડાઇ હતી. આથી મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનામાં એક બાળકીને ઇજા પહોંચી છે. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે. ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
ટિકિટનાં દર શરૂ કરાતા પ્રથમ દિવસે 3500થી વધુ લોકો રામવનમાં આવ્યા
રાજકોટ શહેરમાં રામવનમાં ટિકિટ જાહેર થયા બાદના પ્રથમ દિવસે 4200થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી જેમાંથી 686 બાળક જ્યારે આ સિવાયના 3500 વયસ્ક હતા અને પ્રથમ દિવસે કુલ 77000 રૂપિયાની ટિકિટ વેચાઈ છે. રામવનનું જન્માષ્ટમી દરમિયાન લોકાર્પણ કરાયું હતું અને ત્યારે વિનામૂલ્યે પ્રવેશ જાહેર કરાયો હતો ત્યારબાદ 31મીથી ટિકિટના દર લાગુ કરાયા હતા જેમાં વયસ્કો માટે 20 રૂપિયા જ્યારે 3થી 12 વર્ષના બાળકો માટે 10 રૂપિયા નક્કી કરાયા છે. દર લાગુ થયાના પ્રથમ દિવસે જ રામવનમાં પ્રવેશ માટે કતારો લાગી હતી કુલ 77000 રૂપિયાની આવક થઇ હતી. જેમાં 686 બાળકની ટિકિટ જ્યારે 3525 વયસ્કની ટિકિટ લેવાઈ હતી. રામવન નવું આકર્ષણ હોવાથી લોકો વધુ રસ લઈ રહ્યા છે.
ખાસ કરીને શુદ્ધ વાતાવરણ હોવાથી ટહેલવા જતા લોકોની સંખ્યા વધુ હોય છે આ માટે સાંજના સમયે વધુ લોકો આવે છે પણ રામવનનો સમય 6 વાગ્યા સુધીનો જ છે. કેટલાક લોકો સાંજે 5.30 વાગ્યે ટિકિટ લેવા આવ્યા હતા પણ ટિકિટ બારીથી 5 વાગ્યા બાદ પ્રવેશ ન અપાતો હોવાથી ઘણા પરત ફર્યા હતા.