રાજકોટમાં તા. 12ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે તિરંગા યાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
15મી ઓગસ્ટ દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની સોનેરી તક દેશવાસીઓને સાંપડી છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે જે અંતર્ગત તા. 12ના રોજ સવારે સરદાર ચોક, બહુમાળીથી રાષ્ટ્રીય શાળા સુધી 2 કિલોમીટર સુધી ભવ્યાતિભવ્ય આન-બાન-શાન સાથે લાખો લોકોની હાજરીમાં હર ઘર તિરંગા યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ રાજકીય આગેવાનો, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મેયર ડો. પ્રદિપ ડવ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ‘હર ઘર તિરંગા યાત્રા’માં જોડાશે. ‘હર ઘર તિરંગા યાત્રા’ અન્વયે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજકોટના 250થી વધુ એસો., ધાર્મિક સંસ્થાઓ, શાળા-કોલેજોના પ્રતિનિધિઓની આજરોજ કલેકટર કચેરી ખાતે મિટીંગ યોજવામાં આવી હતી.
- Advertisement -
જેમાં ‘હર ઘર તિરંગા’ એટલે કે શાળા-કોલેજો, તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓ, ઓફીસો, કર્મચારીઓના ઘરે, સોસાયટીઓમાં તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત તા. 12ના યોજાનાર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાશે અને સરદાર ચોક ખાતેથી લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવનાર છે. વધુમાં આ અંગે માહિતી આપતાં મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે તા. 12ના હર ઘર તિરંગા યાત્રા યોજાશે તથા તા. 13થી 15 ઓગસ્ટના હર ઘર તિરંગાની ભવ્ય ઉજવણી થનાર છે જેના માટે જિલ્લા વહિવટી તંત્ર અને મનપા તંત્ર દ્વારા 1 લાખ લોકો સુધીનો ‘હર ઘર તિરંગા’નો ટાર્ગેટ પૂરો કરાયો છે. લોકોનો દેશપ્રેમ, ઉત્સાહ એટલો બધો હતો કે તિરંગા પણ ખૂટી પડતાં સુરત ખાતે બીજા તિરંગા બનાવવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. ત્યારબાદ ફરી તિરંગાનું વિતરણ શરૂ કરવામાં આવશે. 1 લાખથી વધુ લોકો પોતાના રહેણાંકો પર તિરંગા લહેરાવશે તથા ‘હર ઘર તિરંગા યાત્રા’માં હજારો લોકો જોડાશે. આ સાથે સૌરાષ્ટ્રભરમાંથી સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો પણ તિરંગા યાત્રામાં જોડાશે. આમ રાજકોટમાં આન-બાન-શાનથી રાજકોટમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.
રાષ્ટ્રધ્વજને ફરકાવવાની અને જાળવણી માટે શું કાળજી રાખશો ?
– રાષ્ટ્રધ્વજ ખંડિત અથવા ચૂંથાયેલો હોય તો તેને ફરકાવી શકાશે નહીં
– વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા માટે ધ્વજ નીચે લાવવો નહીં
– બીજો કોઈપણ ધ્વજ રાષ્ટ્રધ્વજ કરતા ઉંચે કે ઉપરના ભાગમાં કે તેની લગોલગ મૂકવો નહીં
– ધ્વજની કાઠી પર કે તેથી ઉપરના ભાગે ફુલ, હારતોરા અથવા મુદ્રા સહિતની કોઈ વસ્તુઓ મૂકવી નહીં.
– રાષ્ટ્રધ્વજનો તોરણ કે ફુલ તરીકે કે ધજા તરીક સુશોભન માટે બીજી કોઈપણ રીતે ઉપયોગ કરવો નહીં
– વક્તાના ડેસ્ક પર કે તેમની વ્યાસપીઠ ઉપર ધ્વજ પાથરવો કે વિંટાળવો નહીં
– ધ્વજ જમીનને અડકે અથવા પાણીમાં રગદોળાય તેની કાળજી રાખવી
– કોઈપણ વસ્ત્ર શણગાર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં
– વાહનના કોઈપણ ભાગમાં ધ્વજ વિંટવો નહીં
– ધ્વજ મેલો થઈ જાય અથવા નુકસાન પહોંચે તેવી રીતે ઉપયોગ કરવો નહીં કે સંઘરી રાખવો નહીં
– ધ્વજને નુકસાન પહોંચ્યુ હોય કે મેલો થયો હોય ત્યારે તેને જેમ તેમ ફગાવવો કે ફેંકવો નહિ.
– કોઈ પણ પ્રકારના પોશાક અથવા ગણવેશના ભાગ તરીકે ધ્વજનો ઉપયોગ કરવો ન જોઈએ
તિરંગા યાત્રાના રૂટ પર ડાયવર્ઝન કરાશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટમાં તા. 12ના રોજ ‘તિરંગા યાત્રા’ યોજાવાની છે. લાખો લોકો ‘તિરંગા યાત્રા’માં જોડાઈ રાજકોટની શાનમાં વધારો કરશે. લાખો લોકો સવારે 9 વાગ્યે નીકળનારી તિરંગા યાત્રામાં જોડાશે ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તિરંગા યાત્રાના રૂટ પર હાલાકી ન પડે તે માટે ડાયવર્ઝન કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ઘોડેસ્વારો, અનેક સ્કૂલના બેંડ પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરશે.