જો તમે સત્ય બોલો કે સત્ય લખો તો એ ગુનો છે…
ઈજ્જત અને ડર વચ્ચે ફરક હોય છે, ખુરશી પર બેઠા હો ત્યારે બધાં વાહ-વાહ કરે-એ ડર, ખુરશી પરથી ઉતરો પછી પણ લોકો પ્રશંસા કરે એ ઈજ્જત!
- Advertisement -
જર્નાલિઝમ એટલે શું? કોઈ મહાપુરુષે સરસ વ્યાખ્યા કરી છે: ક્યાંક, કોઈક કશાંક સમાચાર દબાવી રાખવા મથતાં હોય તેને કહેવાય પત્રકારત્વ. એમણે આગળ કહ્યું : એવરીથિંગ એલ્સ ઈઝ પી.આર. વર્ક. બાકી બધું જ પબ્લિક રિલેશન વર્ક છે. રાજકોટમાં આજકાલ ઘણુંબધું ચાલી રહ્યું છે. કૌભાંડો, ષડયંત્રો, અસામાજિક પ્રવૃત્તિઓ અને અધર્મનું રાજ છે. અહીં પણ આ બધું અપરાધની શ્રેણીમાં નથી આવતું. હા! જો તમે સત્ય બોલો કે સત્ય લખો તો એ ગુનો છે. તમે જ્યારે ધીમા સાદે સત્ય બોલો છો ત્યારે પણ એકદમ ઊંચા અવાજે તમને ચૂપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પછી તમારી ઑફિસ પર લિગલ નોટિસનાં છુટ્ટા ઘા થાય છે, આખું ટેબલ રોકી લે તેટલી બદનક્ષીની નોટિસ અને ફોનકોલ્સ અને લડી લેવાની વાતો અને હાકલા-પડકારા. સબૂર, બંધુ! બદનક્ષી કોની થાય? બેઈજ્જતી કોની થાય? જેની ઈજ્જત હોય તેની. પ્રથમ તો એ પુરવાર કરો કે, તમારે ઈજ્જત-આબરૂ કે શાખ જેવું કશુંક છે. ખુરશી પર બેઠા હોવ ત્યારે મળતી ઈજ્જત એ વાસ્તવમાં ખુરશીની પોતાની ઈજ્જત છે અને તમારો ડર છે. યુનિફોર્મ કે પદને મળતું માન તમારું પોતિકું, તમે કમાયેલું નથી. એવાં જૂજ વિરલા છે- જેમણે વર્દીનું કે ખુરશીનું માન વધાર્યું હોય.
અખબારી ધર્મ અને પત્રકારત્વનાં સિદ્ધાંત અને એવી બધી ફિલોસોફિકલ વાતો બિલકુલ નથી કરવી. પત્રકારો પણ ઘણું જતું કરી લેતા હોય, સંબંધ સાચવી જાણતાં હોય છે. પણ હવે એક નવી પ્રજાતિ આવી છે- એવા માણસો…. જે માણસનું જ માંસ ખાય છે. કાગડો પણ કાગડાને મારી ખાતો નથી. અગાઉ માનવભક્ષી વાઘ, માનવભક્ષી સિંહ વિશે સાંભળ્યું હતું. હવે માનવભક્ષી સાહેબો માર્કેટમાં આવી ગયા છે. તેમને આંખની શરમ નડતી નથી, કાનૂનનો ડર સતાવતો નથી. કમનસીબે પ્રજાએ ન્યાય માંગવા પણ એમની પાસે જ જવાનું હોય છે- જે ખુદ જ અન્યાય કરે છે.
- Advertisement -
મેરા કાતિલ હીં મેરા મુન્સિફ હૈ,
ક્યા મેરે હક મેં ફૈસલા દેગા!
શહેરમાં દરેક વિસ્તાર દીઠ પાંચ-દસ એવા પીડિતો નીકળશે- જેની મિલકતો કોઈ સાહેબોએ પચાવી પાડી હોય. અહીં તો એવા સાહેબ પણ છે જેણે ગામ આખાની મિલકતો પચાવી પાડી છે, અર્ધા ગામનાં તોડ કર્યા છે અને પાછા આક્ષેપો કરે છે કે, ‘મારો તોડ કરવા કોઈ પ્રયત્ન કરી રહ્યું છે!’ અપહરણ કરી જઈને સાટાખત રદ કરાવવા, ઢોરમાર મારીને દસ્તાવેજો પર અંગૂઠા લઈ લેવા, સોસાયટીઓ ખાલી કરાવવા લોકોને ઢોરમાર મારવા, ત્રણ-ત્રણ દિવસ સુધી અટકાયત કે ધરપકડ દેખાડ્યા વગર અધરોઅદ્ધર રાખવા, આર્થિક મામલામાં હવાલા લઈ ને બેફામ માર મારવો અને પછી કોઈ સાચું લખે તો ભેંકડા તાણવા…. ‘ઓય માડી… મારી ઈજ્જતનું શું…. મારી બદનક્ષી… મારું અપમાન….’
દોસ્ત, ધનવાનમાંથી ગરીબ થવાં પહેલાં ગરીબ થવું જરૂરી છે. એ જ ન્યાયે બેઈજ્જત થવા માટે પણ ઈજ્જત હોવી અનિવાર્ય છે. આવા લોકોનો તો જીવનમંત્ર જ છે:
“શર્મ ઉસકો આતી હૈ
જો શર્મ સે શરમાતે હૈ,
હમ તો ખૂદ બેશર્મ હૈ
શર્મ હમ સે શર્માતી હૈ!”
કમ ઓન! બી ધ મેન. સરેઆમ ખોટાં કામ કર્યા છે- તો ખુલ્લેઆમ સ્વીકારવાની હિંમત રાખો. નોટિસ વડે ચહેરો ઢાંકી શકાય, આખું તન તો ઉઘાડું જ રહે. અને થોડી ઘણી લાજ-શરમ બચી હોય તો શાનથી કહો:
“હા! મૈં હું ખલનાયક….
નાયક નહીં… ખલનાયક
હું મૈં….!”


