જોષીપરામાં સરકારની જમીનમાં વેપારીઓને કોમ્પ્લેક્ષ બનાવવાની મનપાએ મૌખિક મંજૂરી આપી હતી
સરકારની જમીન નીકળતાં પાંચ વર્ષથી કામ અટકાવ્યું: મનપા રૂપિયા ભરે તો કામ થાય
કેટલાંક વેપારીએ વ્યાજે, તો કેટલાંક વેપારીએ દાગીના રાખી રૂપિયા રોક્યા હતા
સરકારમાં મનપાએ 1 કરોડથી વધુ રૂપિયા ભરવા પડે તેમ છે
જૂનાગઢ મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને ભાજપનાં પદાધિકારીઓના વિશ્ર્વાસે પર વેપારીઓની નાવ ડૂબાડી છે. શાસકો બેશરમ થઈ ફરી મત માંગવા જાય છે તે પણ સત્ય છે. જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં સરકારશ્રીની જમીન ઉપર વેપારીઓને કોમ્પ્લેક્ષ બનાવવાની મંજુરી આપી દીધી, બાદ કલેકટરે કામગીરી અટકાવી દીધી અને વેપારીઓને લાખો રૂપિયા હાલ ડુબી ગયા.
આજથી પાંચ વર્ષ પહેલાં જૂનાગઢ મહાનગરમાં કમિશનર તરીકે આર. જી. ત્રિવેદીની નિમણુંક થઈ હતી અને ભાજપનું શાસન હતું ત્યારે જોષીપરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની વાત આવી. પરંતુ તેના માટે ડિમોલેશન કરવાની જરૂર હતી. ડિમોલેશનમાં 50થી વધુ વેપારીઓની દુકાન જતી હતી ત્યારે તત્કાલિન કમિશનર અને નેતાઓએ વેપારીઓને મળી ડિમોલેશન માટે મનાવ્યા હતા અને જોષીપરા વિસ્તારમાં ખાલી જમીન ઉપર વેપારીઓના ખર્ચે કોમ્પ્લેક્ષ બનાવવાની મૌખિક મંજૂરી આપી દીધી હતી. વેપારીઓ દુકાન છોડવા તૈયાર થઈ ગયા. અધિકારીઓએ સુચવેલી જગ્યા પર વેપારીઓએ બાંધકામ શરૂ કરી દીધું. દરેક વેપારીએ રૂપિયા 1.30 લાખ જેટલી રકમ એકત્ર કરી કોમ્પ્લેક્ષ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. બાંધકામ તૈયાર થઈ ગયું. શટર પણ લાગી ગયા ત્યારે અચાનક તત્કાલિન કલેકટરને જાણ થઈ કે આ જમીન સરકારશ્રીની છે અને મંજૂરી વિના બાંધકામ થઈ રહ્યું છે. કલેકટરે પ્રાંત અધિકારીની પાસે તપાસ કરાવી અને બાંધકામને અટકાવી દીધું. ત્યારથી આજસુધી આ વિવાદનો ઉકેલ આવ્યો નથી. વેપારીઓ કોર્પોરેશનનાં ધક્કા ખાઈ ખાઈને પણ થાક્યા છે. મનપાનાં તત્કાલિન અધિકારીઓ અને નેતાઓએ વેપારીઓને વિશ્ર્વાસમાં લઈ દુકાનો ખાલી કરાવી દીધી પરંતુ વેપારીઓને રસ્તે રઝળતા મૂકી દીધા હતા. જો કે કેટલાક વેપારીઓની આર્થિક સ્થિતિ સારી હોય નવી દુકાન ખરીદી લીધી. પરંતુ કેટલાક સામાન્ય વેપારીઓની મરણમૂડી દુકાન બનાવવામાં જતી રહી છે. કેટલાક વેપારીઓ પર વ્યાજનું ચક્ર પણ ફરી રહ્યું છે. જો કે કોર્પોરેશનમાં ભાજપ અને અધિકારીઓની લડાઈમાં વેપારીઓનો ભોગ લેવાયાનું મનાઈ રહ્યું છે.
- Advertisement -
10 ટકા કામ બાકી રહ્યું છે
જોષીપરા વેપારી એસોસીએશનના પ્રમુખ વિજયભાઈ પોસીયાએ કહ્યું હતું કે, 52 જેટલી દુકાન બનાવવામાં આવી છે. દુકાનનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કેટલાક શટર, લાઈટ જેવા કામ બાકી છે. પાંચ વર્ષથી બાંધકામ અટકી ગયું છે.
તત્કાલિન કમિશનર, 47 કોર્પોરેટર અને બે વેપારી સામે લેન્ડગ્રેબિંગની અરજી
ખાસ-ખબર સંવાદદાતા
જોષીપરામાં સરકારની જમીન પર થયેલા બાંધકામનાં વિવાદનો અંત આવતો નથી, ત્યારે આ પ્રકરણમાં જિલ્લા કલેકટરને લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢનાં રાકેશ ડવએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી તત્કાલિન કમિશનર, 47 કોર્પોરેટર અને બે વેપારીઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવા રજૂઆત કરી છે. આ અરજીમાં તત્કાલિન કોર્પોરેટરનાં નામ છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તત્કાલિન કમિશનર અને કોર્પોરેટરો દ્વારા જોષીપરાની સરકારશ્રીની માલિકીની જમીન કે જે ગામતળની જમીન છે તે જમીન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવવા પોતાને કોઈ સત્તા કે હકુમત ન હોવા છતાં ફાળવી દેવામાં આવી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ આંગળી ચીંધી કહ્યું હતું, આ બાંધકામનો ઉકેલ આવશે
ગત વિધાનસભાની ચૂંટણી સમયે જોષીપરાનાં વેપારીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પૂર્વ સી.એમ. વિજયભાઈ રૂપાણીની સભા જોષીપરા વિસ્તારમાં કરવાની હતી. વેપારીઓ તૈયાર ન હતા, ત્યારે ભાજપનાં નેતાઓએ ધીરજ રાખવા કહ્યું હતું. બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અટકી પડેલા બાંધકામ સામે આંગળી ચીંધી ઉકેલ લાવવાનું કહ્યું હતું.
- Advertisement -
ડિસેમ્બરમાં જૂનાગઢ કોર્ટે ચૂકાદો પણ આપ્યો
જોષીપરાનાં બાંધકામને લઈને કોર્ટમાં કેસ દાખલ થયો હતો. ડિસેમ્બર 2021માં કોર્ટે ચૂકાદો આપ્યો હતો. કાયમી મનાઈનો દાવો નામંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ તત્કાલિન કમિશનર સામે કાનુની કાર્યવાહી થઈ શકતી હોય જરૂરી પગલાં ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.
તત્કાલિન કમિશનર, ડે. કમિશનરની લડાઈ મુખ્ય
મનપાનાં તત્કાલિન કમિશનર ને ડે. કમિશનરની લડાઈ પણ એક કારણ છે. તત્કાલિન કમિશનરે સરકારશ્રીમાં જમીન માટે ઠરાવનું કહ્યું હતું, પરંતુ તત્કાલિન ડે. કમિશનરે કામમાં ઢીલાશ રાખી હતી. બાદ કમિશનરની બદલી થઈ ગઈ અને કામ અભેરાઈ ઉપર ચડી ગયું છે.
ભાજપના નેતાઓ નારાજ થયા
આ મુદ્દે સમય વિતવા લાગ્યો હતો. વેપારીઓની ધીરજ ખૂટવા લાગી હતી ત્યારે વેપારીઓ જનરલ બોર્ડમાં ધસી આવ્યા હતા. આ સમયે ભાજપનાં કેટલાક નેતાઓ નારાજ થઈ ગયા હતા. બાદ આ કામમાં રસ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. ભાજપનાં નેતાનો અહમ્ ઘવાયો હતો. તેમનું માનવું હતું કે વેપારીઓ કોંગ્રેસનો હાથો બન્યા છે.
સરકારમાં 1 કરોડથી વધુ ભરવાના થાય
જોષીપરાની જમીન મનપાએ સરકારશ્રી પાસેથી પોતાના નામે કરવાની છે. તેના માટે અંદાજે 1 કરોડથી વધુ રૂપિયા સરકારમાં ભરવાના થાય છે. કોર્પોરેશન જમીન ખરીદીને પણ વેપારીઓને આપવા જાય તો ક્યા આધારે આપે તે સવાલ ઉભો થાય છે.
મનપા વિસ્તારમાં સરકારની જમીન કેમ?
જૂનાગઢ મહાપાલિકા બનાવવામાં આવી ત્યારે આઠ જેટલા ગામ જૂનાગઢ મહાનગરમાં ભેળવવામાં આવ્યા હતાં. આ ગામનાં ગામતળ, ગૌચર આજે પણ સરકારશ્રી પાસે છે. કોઈ પણ કામ કરતા પહેલા કલેકટરમાંથી મંજૂરી લેવી પડે છે.