ગુજરાતમાં હજી ચાર દિવસ હાંજા ગગડાવતી ઠંડી પડવાની આગાહી
ગાંધીનગરમાં ૪.૩ અને નલિયામાં ૪.૬ ડિગ્રી ઠંડી પડતાં ગુજરાત જાણે કે બન્યું શ્રીનગર
ગુજરાતમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેરની સાથે હાડ થીજવતી ઠંડી પણ પડી રહી છે, અને નાગરિકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ હાંજા ગગડાવતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવનો સપાટો બોલશે. ગઈકાલે ગાંધીનગરમાં ૪.૩ અને નલિયામાં ૪.૬ ડિગ્રી ઠંડી પડતાં બન્ને નગરો જાણે કે શ્રીનગર બની ગયાં હતાં. ગઈકાલે ગુજરાતનાં ૧૧ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ રહેતાં નાગરિકો આવી કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા.
ગઈ કાલે અમદાવાદમાં ૬.૭, ડિસામાં ૮, વલ્લભ વિદ્યાનગરમાં ૯.૨, વડોદરામાં ૮.૪, કંડલા ઍરપોર્ટમાં ૯.૮, રાજકોટમાં ૯.૭, સુરેન્દ્રનગરમાં ૧૦, મહુવામાં ૯.૭ અને કેશોદમાં ૮.૭ ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. આજે અને આવતી કાલે કચ્છ જિલ્લામાં ગંભીર શીત લહેર ફેલાઈ શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત, આગામી બે દિવસ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં કોલ્ડ વેવ, અતિશય ઠંડા પવનો ફૂંકાવાની સાથે આખો દિવસ કડકડતી ઠંડી પડે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -


