માણસનું શરીર સીમિત છે, જ્યારે મન અનંત છે. જો આટલા નાના શરીરમાં હજારો પ્રકારની વિચિત્રતાઓ, બિમારીઓ થઈ શકતી હોય તો આ અંતહીન મનમાં કેટકેટલી વિચિત્રતાઓ ઉદ્ભવી શકતી હશે? કેટકેટલી બિમારીઓ થઈ શકતી હશે? આજે મનના એવા વિચિત્ર અને ભાગ્યે જ થતાં રોગોની વાત કરીએ, જે આપણી કલ્પનાથીય વધુ વિચિત્ર હોય
સ્ત્રીઓ ગર્ભવતી બને છે ત્યારે પેટ ફૂલે છે અને ઊલ્ટીઓ થાય છે, પણ કેટલીક સ્ત્રીને ગર્ભવતી હોવાનો રોગ થાય છે. આવી સ્ત્રીઓ પણ પેટ ફૂલાવે છે અને ઊલ્ટીઓ કરે છે, પણ તેઓએ ગર્ભ ધારણ નથી કર્યો હોતો. તેઓએ ‘ગર્ભ રહ્યો છે’ એવી માન્યતા ધારણ કરી હોય છે. તેઓ પોતે એવું માનતી થઈ ગઈ હોય છે અને સૌને મનાવવા પ્રયત્ન કરતી હોય છે કે પોતે ગર્ભવતી છે. કારણ કે તેમના સુષુપ્ત મનમાં ગર્ભવતી થવાની ઈચ્છા પડેલી હોય છે અને એટલે જ અજાણપણે તેનો ફેફસાં અને પેટ વચ્ચે આવેલ ઉદરપટલ નીચે તરફ ખેંચેલો રાખે, વધુ પડતી હવા પેટમાં જવા દે (એરોફેજિયા), પેટના સ્નાયુઓ ઢીલા છોડે અને મણકામાંથી કમરને આગળ પડતી વાળે જેથી તેમનું પેટ ગર્ભવતી સ્ત્રીના પેટ જેવું ફૂલેલું લાગે. આ રોગને ‘સુડોસાયેસીસ’ કહેવામાં આવે છે. ‘હિસ્ટિરીકલ પ્રેગનન્સી’થી ઓળખાતા આ રોગની દર્દી બનેલી એક સ્ત્રી આ રોગથી એટલી તીવ્ર રીતે પીડાતી હતી કે તેની આ માનસિક ગર્ભધારણની પીડામાંથી ઉગારવા છેવટે તેમની ‘માનસિક સુવાવડ’ કરાવવી પડી હતી!
- Advertisement -
ગર્ભવતી સ્ત્રીઓને જ લગતાં આવા એક બીજા આશ્ર્ચર્યજનક રોગનું નામ છે ‘કાઉવેડ સિન્ડ્રોમ.’ હા, એ આશ્ર્ચર્યજનક એટલા માટે છે કે ગર્ભવતી સ્ત્રીઓને લગતો રોગ હોવા છતાં આ રોગ તેવી સ્ત્રીઓને નહીં- બલ્કે તેમના પતિદેવોને થાય છે. ‘કાઉવેડ’માં પ્રેગનન્ટ સ્ત્રીઓના શરૂઆતના અઠવાડિયામાં તેમના પતિદેવોને ઉબકા આવે છે, ઊલ્ટીઓ થાય છે અને ખાસ દાંતનો દુ:ખાવો થાય છે. એક પુરૂષને આ રોગ લાંબો ચાલ્યો પણ જેવી તેની પત્નીની સુવાવડ થઈ ગઈ કે તે તરત સારો થઈ ગયો.
સુવાવડ પછી કેટલીક સ્ત્રીઓને ગાંડપણનો હુમલો આવતો હોય છે, જેને ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’ કહેવાય છે. આવી સ્ત્રીઓ પોતાના નવજાત બાળક પ્રત્યે બેધ્યાન, બેજવાબદાર બની જાય છે એટલું જ નહીં, કેટલીક સ્ત્રી દર્દીઓ બાળક પ્રત્યે શંકાની નજરથી જૂએ છે, તેને ભૂખ્યો રાખે છે, મારે છે અને જો તેમનો રોગ વકરી જાય તો પોતાના બાળકને ઊંચકીને ફેંકી પણ દે છે અને મારી પણ નાંખે છે. નવજાત બાળકને મારી નાખવાની આ પરિસ્થિતિને માઈથોલોજીને આધારે ‘મીડિયા સીન્ડ્રોમ’ કહેવામાં આવે છે.
મારો એક દર્દી તેની પત્ની શોભાને કહે છે, ‘તું સાચી શોભા નથી. તું કોઈ બીજી જ સ્ત્રી છે અને શોભાનો સ્વાંગ રચીને, મારી પત્નીનો વેશ ધારણ કરીને મારી પાસે આવી છે, તું શોભાની ડુપ્લીકેટ છે.’ મેં શોભાનો પક્ષ લઈને મારા એ દર્દીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ‘જો ભાઈ! આ સાચી શોભા જ છે! તારી ઓરીજનલ પત્ની જ છે! મારૂં કહ્યું માન! હું ડોકટર છું અને સાચું કહું છું!’ તરત જ મારા એ દર્દીના મોંમાંથી શબ્દો નીકળ્યા, ‘પણ તમે સાચા ડોકટર ચોકસી જ હોવ અને તેના ડુપ્લીકેટ નહીં હોવ એની શી ખાતરી?’ પોતાની પત્ની સહિત સૌને ડુપ્લીકેટ માનનાર એ દર્દીને ‘કેપગ્રાસ’ નામનો રોગ થયો હતો.
- Advertisement -
તો એના જેવો જ પણ એનાથી ય વધુ વિચિત્ર રોગ ‘ફ્રેગોલી સૌન્ડ્રોમ’ છે. ફ્રેગોલી નામના ઝડપથી ચહેરાનો દેખાવ બદલતા નટ ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું હતું. ‘કેપગ્રાસ’નો દર્દી નટુભાઈને નટુભાઈ તરીકે ઓળખવાની ના પાડે છે, જ્યારે ‘ફ્રેગોલી’નો દર્દી માને છે કે પોતાને એક સનાતન દુશ્મન છે જે પોતાને હેરાન કરવા જાત જાતના વેશ ધારણ કરીને મળે છે.