કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ સત્તાવર જાહેરાત
શિક્ષણ, સામાજિક સેવા અને સંગઠનાત્મક ક્ષેત્રના અનુભવનો પક્ષને મળશે લાભ
- Advertisement -
રાજકોટના જાણીતા શિક્ષણવિદ્, સામાજિક કાર્યકર અને કોંગ્રેસના આગેવાન ડૉ. નિદત્ત બારોટની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિયુક્તિને મંજૂરી આપ્યા બાદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ (સંગઠન) અને સાંસદ કે. સી. વેણુગોપાલે 14 ઓક્ટોબર, 2026ના રોજ સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિયુક્તિ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિચાર વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન પ્રવીણ દાવરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રણદીપ સુરજેવાલા સાથે વિચારવિમર્શ કર્યા બાદ ડૉ. બારોટના નામની દરખાસ્ત કરી હતી. ગુજરાત ઉપરાંત ઓડિશા, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાં પણ વિચાર વિભાગના નવા પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં આવી છે.
વર્ષ 1994થી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા ડૉ. બારોટ રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. વિચાર વિભાગના માધ્યમથી શિક્ષકો, અધ્યાપકો, ડૉક્ટરો, વકીલો, સંશોધકો, લેખકો અને બુદ્ધિજીવીઓને જોડીને જાહેર પ્રશ્નો પર વૈચારિક ચર્ચા અને રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાશે.
- Advertisement -
ડૉ. બારોટે શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ તથા સરકારી કામગીરીના કથિત અતિશય દબાણને કારણે પ્રાથમિક શાળાના આચાર્યની આત્મહત્યાની ઘટના અંગે સમગ્ર શિક્ષણ જગતના અભિપ્રાયો જાણવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજકોટને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત કરાવવા નાગરિકોના સહયોગથી પ્રયાસો હાથ ધરવાની પણ વાત કરી છે.




