ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ રોશની (લાઈટિંગ કંડિશન)ના કારણે રમત અટકવાની મોટી સમસ્યાનો હવે અંત આવી શકે છે. દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચોમાં લાલ બોલનો ઉપયોગ થાય છે, જે ફ્લડ લાઈટ્સમાં યોગ્ય રીતે દેખાતો નથી. આ સમસ્યાના ઉકેલ માટે આઈસીસી (ઈંઈઈ)ની વાર્ષિક બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જો ખરાબ રોશનીને લીધે રમત અટકે, તો બંને કેપ્ટનોની સહમતિથી ગુલાબી (પિંક) બોલનો ઉપયોગ કરી શકાશે. શરૂઆતમાં આ નિયમનું અમુક મેચો પૂરતું ટ્રાયલ કરાશે અને સફળતા મળ્યા બાદ તેને તમામ ટેસ્ટમાં લાગુ કરાશે. આ સહિતના તમામ નવા નિયમો 1 ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમલી બનશે.મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 હવે જૂન-જુલાઈના બદલે 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાશે. આ સાથે જ 10 ટીમો વચ્ચે રમાનારી ’મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી 2026’ શરૂ કરવાની પણ મંજૂરી અપાઈ છે. વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2028ની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સોંપાઈ છે, પરંતુ ભારતીય ટીમની તમામ મેચો ન્યુટ્રલ (તટસ્થ) સ્થળો પર રમાડવામાં આવશે. આ સિવાય, આઈસીસીએ વિશ્વભરમાં વધી રહેલી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ્સ અને આંતરરાષ્ટ્રીય કેલેન્ડર વચ્ચે સંતુલન જાળવવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે.
- Advertisement -
વન-ડેમાં કોચ મેદાન પર જશે અને બોલિંગ એક્શન માટે 3D ટેકનોલોજીનો ઉપયોગ
નવા ફેરફારો મુજબ, હવે વન-ડે ક્રિકેટ મેચમાં પણ ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોઈપણ ટીમનો હેડ કોચ મેદાન પર જઈને ખેલાડીઓ સાથે વ્યૂહરચનાની ચર્ચા કરી શકશે, જે પરવાનગી પહેલાં માત્ર ટી-20માં જ હતી. આ ઉપરાંત, અમ્પાયરોને ગેરકાયદેસર બોલિંગ એક્શનના રિપોર્ટ તૈયાર કરતી વખતે હોક-આઈ (3ઉ ટ્રેકિંગ ટેકનોલોજી)ના ડેટા જોવાની મંજૂરી અપાઈ છે. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની બોલિંગ એક્શન વિવાદમાં આવ્યા બાદ આ નિર્ણય મહત્વનો મનાય છે.



