હરિયાણાના બે ભાઈઓ સુમિત અને અનુજ, મ્યુઝિકના થોડા જાણકાર અને થોડા શોખીન. . બેયને થયું કે યુટ્યૂબ ઉપર એક ગીત બનાવીને અપલોડ કરીએ. ગીત તો રેડી હતું પણ વિડીયો નહોતો. એક વિડીયોમેકરનો સંપર્ક કરીને એમણે વિડીયો તૈયાર કરાવ્યો. પણ થયું એમ કે વિડીયો એટલો ભંગાર બન્યો કે એમણે એ વિડીયો રિજેક્ટ કરી દીધો. ગીત તો રેડી હતું, અને આમેય આ ગીત બહુ સામાન્ય હરિયાણવી ભાષાનું ગીત હતું જેમાં સાવ થોડો મ્યુઝિકનો વઘાર કરીને બેય ભાઈઓએ રેકોર્ડ કરી લીધું હતું. હરિયાણવી ભાષામાં ઘાયલ આશિક ટાઈપના ગીતો ઘણા ચાલે એટલે બેય ભાઈઓને એમ કે થોડા ઘણા વ્યુ મળે અને એ બહાને હરિયાણવી મ્યુઝિકનો પ્રચાર થાય. ગીત સાવ “રો” હતું .. સાવ સાદું. હવે વિડીયો તો સાવ બેકાર બન્યો .. એટલે આવડે એવું “એનિમેશન” કરીને એક વિડીયો બનાવ્યો અને એને ગીત ઉપર ફિટ કરી દીધો.
અને ગીતને યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધું .. પણ આ ગીત લોકોના દિલોના તાર ઝણઝણાવવા લાગ્યું . ગીત વાયરલ થવા લાગ્યું. બે એક મહિનામાં દસેક કરોડ વ્યૂઝ થઇ ગયા. સુમિત અને અનુજને તો કોઈ અંદેશો નહોતો કે આવું સાદું, દેશી ગીત આટલું વાયરલ થશે… પણ થયું.
ગીતનું નામ : બૈરન (ગુજરાતીમાં વેરણ- ફિમેલ શત્રુ) .પછી તો ઇન્ડિયન બિલબોર્ડ ઉપર ટોપ કર્યું આ ગીતે અને આજની તારીખે યુટ્યુબ ઉપર ટોપ 3 માં આ ગીત શામેલ છે.
એવું તે શું હતું આ ગીતમાં??
એક સિમ્પલ ઘાયલ પ્રેમી છાપ ગીત કેમ લોકોને એટલું ગમી ગયું ?
આ ગીત વાયરલ થવાનું કારણ હતું એની સાદાઈ અને એના શબ્દો.
હરિયાણવી ભાષાના ગીતોમાં પ્રેમિકાને બૈરન કહેવું સામાન્ય છે, વળી અમુકમાં પ્રેમિકાની યાદ આવે એને પણ બેરન કહેવામાં આવે છે. આ ગીતના શબ્દો સરળ છે પણ ઊંડા છે.. મહાકવિ કાલિદાસની કાળજયી કૃતિ મેઘદૂતમમાં પણ પ્રેમીની જે વિરહ વેદના બતાવવામાં આવી છે તેવી જ કાઇક વેદના આ સાદા દેશી હરિયાણવી વાયરલ ગીતના શબ્દોમાં બહુ એકદમ સહજ રીતે દર્શાવી દેવામાં આવી છે.
માણસને પ્રેમ થાય અને પછી તે એમાં “ઉંધે કાંધ” પડે ત્યારે તે જે અનુભવે તે એક પીડા સહિતનો આનંદ હોય છે. એક હેંગ ઓવર હોય છે , નશો હોય છે.. આ લાગણીના મૂળમાં ભલે વિજાતીય સંબંધની વાસના હોય પણ ઘણીવાર એમાંથી વાસના ઉડી જાય અને માત્ર શુદ્ધ લાગણી બાકી રહે એવું પણ બને છે.. અંગ્રેજી સાહિત્યકારો એને “પ્લેટોનિક લવ” અથવા અફલાતૂન લવ કહે છે.. આ લાગણીને વાચા આપવી, શબ્દોથી એને પ્રસ્તુત કરવી અઘરું કામ છે જે આ બે એકદમ દેશી હરિયાણવી ભાઈઓએ આ ગીત લખીને , ગાઈને કરી બતાવ્યું છે.
બોડી કાઉન્ટ (કેટલા સાથે સહશયન કર્યું એનો આંકડો) ગણતી નવી પેઢીને પ્રેમ નું ખરું સ્વરૂપ શું છે તે આ ગીતથી જાણવા મળ્યું અને નવી પેઢી એ આ સાવ સાદા શબદોમાં થયેલી પ્રેમની આ વ્યાખ્યાને વાયરલ કરીને હિટ કરી દીધી !!!
ગીતનું ટાઇટલ જ બૈરન છે..એટલે સહજે પ્રશ્ન થાય કે પ્રેમિકા કે એની યાદ ને બૈરણ કેમ કિધી હશે?
આ બહુ મજાની અને સમજવા જેવી વાત છે.
પ્રેમની લાગણી આમ નિર્દોષ દેખાય પણ તે દેખાય એટલી નિર્દોષ નથી. પ્રેમ માટેનો ફારસી શબ્દ છે : આશિકી.. જે આપણા સંસ્કૃત શબ્દ આસક્તિ પરથી ઉતરી આવેલો છે.
પ્રેમની અંદર બહુ ઊંડે ઊંડે આસક્તિ છુપાયેલી છે. અનેક કવિઓ અને સાહિત્યકારોએ પ્રેમ વિશે લખેલું છે અને એમાં કોમન વાત એ નીકળશે કે પ્રેમને કારણે માણસ બરબાદ થઈ ગયો!! અંગ્રેજીમાં આ લાગણીને લીમરન્સ કહેવાય છે. જોકે ઘણા નિષ્ણાતો લીમરન્સ એટલે એકપક્ષીય પ્રેમની પીડા પણ ગણાવે છે.
એમ છતાં આ લાગણી શરીર માટે લાંબે ગાળે ઘાતક છે તે ખરું છે. જેમ ધીમુ ઝેર શરીરને ખોખલું કરતું જાય એમ આ લાગણી મન અને શરીરને ખાતી જાય છે.
અનેક લોકો પ્રેમ ભંગ ને લીધે આત્મહત્યાઓ કરે છે, ડિપ્રેશનમાં સરી પડે છે, કામ ધંધા ઉપર ધ્યાન આપી શકતા નથી.. એમની રોગપ્રતિકારક શકિત પણ ઘટી જાય છે તો કેટલાક આજીવન આઘાત સાથે જીવે છે..
પ્રેમ ઉર્ફે લિમ્રન્સ ઉર્ફે આશિકી આવી લાગણી છે એટલે એને બૈરણ કહી છે. સાવ તળપદી ભાષામાં પણ કેવા જાદુઈ રહસ્યો છુપાયેલા હોય તે જાણવું હોય તો આ ગીતને સાંભળશો..
ગીત મનમાં ચડી જાય એટલું મધુર સંગીત વાળું નથી, કોઈ ગ્લેમરસ વિડિયો પણ નથી.. છતાં માત્ર શબ્દો અને લાગણી ને વ્યક્ત કરવાની એની શકિતને લીધે આ ગીત જબ્બર ચાલ્યું છે..
બૈરણ ગીત આંખો બંધ કરીને એકવાર ચોક્કસ સાંભળવા જેવું છે. આંખો સજળ થઈ જશે જો ખરેખર કોઈને પ્રેમ કર્યો હશે તો !!
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ



