12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ભયાનક અકસ્માત બાદ હવે વળતર અને કાયદાકીય લડાઈ તેજ બની છે. બ્રિટિશ અખબાર ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાએ પીડિત પરિવારો સામે વધારાના વળતર માટે એક એવી શરત મૂકી છે જેના કારણે વિવાદ પેદા થઇ ગયો છે.
વળતરની ઓફર અને વિવાદાસ્પદ શરત
- Advertisement -
એર ઈન્ડિયાએ અકસ્માતમાં જાન ગુમાવનારાઓના પરિવારોને વધારાના વળતર તરીકે 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, આ રકમ મેળવવા માટે પરિવારોએ કેટલીક શરતો માનવી પડશે.
પરિવારોએ લેખિતમાં આપવું પડશે કે તેઓ ભવિષ્યમાં આ અકસ્માત બાબતે કંપની પર કોઈ કેસ નહીં કરે.
કંપનીને તમામ પ્રકારની કાયદાકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવી પડશે.
- Advertisement -
આ સમજૂતી કોઈપણ દેશની કોર્ટમાં પડકારી શકાશે નહીં.
પરિવારોએ ઓફર ફગાવી
જો કે તમામ શરતોનો લીગલ ટીમ અને પરિવારોનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ પ્રસ્તાવનો 130 પીડિત પરિવારોની લીગલ ટીમે સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, હજુ અકસ્માતની તપાસ પૂરી થઈ નથી અને જવાબદારી નક્કી થઈ નથી. અનેક ઘાયલોની સારવાર હજુ પણ ચાલુ છે, ત્યારે કેસ કરવાનો અધિકાર છીનવી લેવો અયોગ્ય છે. જો કે આ મામલે એર ઈન્ડિયા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, તેઓ પરિવારોને મદદ કરવા પ્રતિબદ્ધ છે અને આ અંતિમ રકમ કાયદા મુજબ જ ઓફર કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: બોઈંગ 787ની સુરક્ષા પર સવાલ
આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે. AAIB તપાસ અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB)ની તપાસ અંતિમ તબક્કામાં છે. કોર્ટે 3 અઠવાડિયામાં આ તપાસનો રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ NGO સેફ્ટી મેટર્સ વતી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી કે, 8 હજારથી વધુ પાઇલટ્સ માને છે કે બોઈંગ 787 વિમાન સુરક્ષિત નથી. તેમણે AAIB ને બદલે ‘કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ની માંગ કરી છે.
સરકારી વકીલે જો કે સમગ્ર મામલે કોર્ટમાં દલીલ આપતા કહ્યું કે, તપાસ નિષ્પક્ષ રીતે ચાલી રહી છે. સરકાર તરફથી હાજર સોલિસિટર તુષાર મહેતાએ તમામ બાબતે કોર્ટને બાંહેધરી આપી હતી.
આગામી પગલું શું?
સુપ્રીમ કોર્ટ હવે 3 અઠવાડિયા પછી આ કેસની વધુ સુનાવણી કરશે. કોર્ટ નક્કી કરશે કે AAIB નો રિપોર્ટ પૂરતો છે કે પછી આટલા મોટા અકસ્માત માટે નવેસરથી તપાસ સમિતિ રચવાની જરૂર છે. જો કે હાલ તો તમામ બાબતો AAIB ના અહેવાલ પર ટકેલી છે. આ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.




