બાબરીયા સુરાપુરાધામ દ્વારા ભવ્ય આયોજન
દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરા દેવજીદાદાની દિવ્ય પ્રેરણાથી બાબરીયા સુરાપુરાધામ ટંકારા દ્વારા કોળી ઠાકોર સમાજની આર્થિક રીતે મધ્યમ ઘરની 26 દીકરીઓના વિનામૂલ્યે શાહી જાજરમાન સમૂહ લગ્નોત્સવ તા. 10-2-26 મંગળવારના રોજ મોરબી જિલ્લાના ટંકારા ગામે બાબરીયા સુરાપુરાધામ ખાતે યોજાશે. આ સમૂહલગ્નમાં તમામ દીકરીઓને કરિયાવરમાં ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે. માંડવીયા, જાનૈયા માટે તેમજ દરેક મહેમાનો માટે ચા-પાણી સાથે ભોજન પ્રસાદ તથા પાર્કિંગની દરેક પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 26 રજવાડી મંડપ, શાહી ડેકોરેશન તથા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને સિંગરો સાથે લાઈવ લગ્નગીતની પણ વ્યવસ્થા કરાશે તેમજ ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં આ સમૂહલગ્ન પ્રસંગનું લાઈવ પ્રસારણ થશે. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ધર્મસ્થાનોના સાધુ-સંતો, ભક્તો અને દરેક ક્ષેત્રના સમાજશ્રેષ્ઠીઓ, જ્ઞાતિરત્નો, અનેક સામાજિક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને મંગલમય આશીર્વાદ આપશે. આ સમૂહલગ્નના મુખ્ય દાતા આયોજક દિપકભાઈ ભનુભાઈ બાબરીયાના યજમાનપદે છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બાબરીયા સુરાપુરાધામ સેવકગણ કમિટીના સભ્યો દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સમૂહલગ્નમાં 26 દીકરીઓને કરિયાવર આપવા માટે અને સંપૂર્ણ માહિતી માટે મો. 9924922724, 9106518189 પર સંપર્ક કરવો તેમ મોરબી જિલ્લા કોળી ઠાકોર ગ્રુપની અખબારી યાદીમાં જણાવ્યું છે.



