ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી યાત્રા શરૂ થઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ કરાયેલી કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે આગળ વધી રહી છે અને આવતીકાલે આ યાત્રા રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરશે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનને 10 હજાર કરોડની સહાય જાહેર કરી છે, પરંતુ આ સહાય ખેડૂતો માટે મજાક સમાન હોવાનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે. ખેડૂતોની વાસ્તવિક વ્યથા – સરકારની સહાય માત્ર બે થેલી ખાતર જેટલી : યાત્રાના રૂટમાં આવતા ગામડાઓમાં કોંગ્રેસના આગેવાનો ખેતરોમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે.ખેડૂતોની વેદના સાંભળતાં જણાય છે કે સરકારે જાહેર કરેલી સહાય અસમાન અને અપૂરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે અમારે વીઘા દીઠ રૂ.15,000 જેટલો ખર્ચ થતો હોવા છતાં સરકારે માત્ર રૂ.3,000ની સહાય જાહેર કરી છે જે બે થેલી ઉઅઙ ખાતર જેટલી પણ નથી. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર ખરેખર ખેડૂતોના હિતની વાત કરે છે તો સહાય નહીં, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરે, ત્યારે જ ખરા અર્થમાં રાહત મળશે.
- Advertisement -
કોંગ્રેસના નેતાઓની સ્પષ્ટ માંગ : સહાય નહીં, દેવું માફી જોઈએ : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સરકારની સહાયને ખેડૂતોની મજાક ગણાવી છે. કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા અઠવાડિયામાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ ચાર ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે જે સરકારની ખોટી નીતિઓનો સીધો પરિણામ છે.
ગઈકાલે બોટાદ જિલ્લાથી શરૂ થયેલી કિસાન આક્રોશ યાત્રા હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી ગઈ છે. બોટાદ ખાતે ખાસ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગઈકાલે બોટાદથી સુરેન્દ્રનગર સુધી આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા પ્રદેશના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને ટ્રેક્ટરો સાથે વિવિધ સ્થળોએ પહોંચીને ખેડતોને મળ્યા હતા અને તેઓની મુશ્કેલીઓ જાણી હતી.દરરોજ જુદા જુદા જિલ્લા માટે કોંગ્રેસના આગેવાનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે જેથી ખેડૂતો સુધી કોંગ્રેસનો અવાજ સીધો પહોંચી શકે. આ સમગ્ર ખેડૂત આક્રોશ યાત્રામા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી દેસાઈ, ખેડૂત નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્યઓ લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓએ શરૂઆતથી સેક સુધી મુખ્ય જવાબદારીઓ સાથે દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ હવે વધુ આક્રમક બનેલી છે.યાત્રાના દરેક તબક્કે ખેડૂતો દ્વારા ગામડાઓમાં ઠેરઠેર સ્વાગત અને સમર્થન મળી રહ્યું છે, જે બતાવે છે કે ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી છે.કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે : ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ – ખેડૂતોને નજીવી સહાય નહીં, દેવા માફી આપો.



