ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
માણાવદર મામલતદાર કચેરી ખાતે સરકારની સૂચના અન્વયે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્ક વિભાગ માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ કરતા માણાવદર મામલતદાર દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
આ તકે માણાવદર મામલતદાર એમ.ડી. શુકલએ જણાવ્યું હતું કે આ હેલ્પ ડેસ્કમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કાઢવું કે કોઈ પણ સુધારો કરવો, એનએફસીએ યોજના તેમજ એટીવીટીને લગતા કામો જેવા કે આવકનો દાખલો, નોનક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવા વિવિધ યોજનાના ફોર્મ આ વિભાગમાંથી વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત જે તે વિભાગ દ્વારા આ ફોર્મ ભરી પણ આપવામાં આવશે જેથી અભણ કે વૃદ્ધ અરજદારો હોય તેમને કોઈ અગવડતા નહીં પડે અને તેઓને માત્ર સાધનીક કાગળો જોડવાના રહેશે. આ ઉપરાંત આ ફોર્મની અમારા વિભાગ દ્વારા જ કામગીરી કરવામાં આવતી હોવાથી અરજી ના મંજૂર થવાની સમસ્યાઓમાંથી પણ છુટકારો થશે. ત્યારે આ હેલ્પ ડેસ્ક વિભાગનો મહતમ ઉપયોગ થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, તાલુકા ભાજપ પ્રમુખ ગગજીભાઈ ભેટારીયા, નીરજભાઈ જોશી, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વ્રજલાલભાઈ ઝાલાવાડીયા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



