મહાવીર સ્વામીને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ પ્રસંગે આજે મોરબીમાં સમસ્ત જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાની શરૂઆત મોરબીના દરબારગઢ સ્થિત જૈન દેરાસરથી થઈ હતી અને ગ્રીન ચોક, નગર દરવાજે થઈ જુના બસ સ્ટેન્ડથી સાવસર પ્લોટ થઈને રામચોકથી રસીકલાલ શેઠ બોય્ઝ હાઈસ્કૂલ પહોંચીને ધર્મસભામાં ફેરવાય હતી.
- Advertisement -
આ અંગે ભાવેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, આજે ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજે સમસ્ત જૈન સમાજ દ્વારા પરમાત્માની રથયાત્રાનું સુંદર આયોજન કરાયું છે. આજે સમસ્ત સમાજ હિલોળે ચડ્યો છે. આ અવસરે વાગડ ગચ્છનાયક આચાર્ય કલાપૂર્ણ સૂરીશ્ર્વરજી મ.સા. સમૂદાયના આ.ભ. આત્મદર્શન સૂરીશ્ર્વરજી મહારાજ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચાંદીના રથમાં પરમાત્માને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ રથ પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. જેમાં પ્રભુ મહાવીર સ્વામીની માતાને આવેલા 14 સ્વપ્ન, ચાંદીનું પારણું, પ્રભુજીનો વિશાળ ફોટો શોભાયાત્રામાં પ્રદર્શિત કરાયા હતા. શોભાયાત્રા ઠેરઠેર ફરીને ધર્મસભામાં ફેરવાય હતી. આ શોભાયાત્રામાં જૈન સમાજના લોકો ભગવાન મહાવીર સ્વામીના જયઘોષ સાથે જોડાયા હતા.