ચૂંટણી પ્રચારમાં વિદેશ મંત્રી જયશંકર પણ મેદાને
દિલ્હીવાસીઓને કેન્દ્રની યોજનાઓનો લાભ નથી મળી રહ્યો : જયશંકરના આપ સરકાર પર હુમલા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકરે દિલ્હીમાં દક્ષિણ ભારતીય સમાજ સાથે વાતચીત સમયે રાષ્ટ્રીય રાજધાનીમાં મૂળભૂત સુવિધાઓની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ વિદેશ પ્રવાસે જાય તો તેઓ એમ કહેતા શરમાય છે કે દિલ્હીના લોકો આજે પણ જરૂરી સુવિધાઓથી વંચિત છે. આ સાથે જયશંકરે દિલ્હીવાસીઓને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ આપવામાં નિષ્ફળ જવા બદલ આપ સરકારની ટીકા કરી હતી.
- Advertisement -
વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે, હું વિદેશ જાઉં છું તો ત્યાંની સરકારો મને પૂછે છે કે તમારા ત્યાં અનેક મોટા મોટા આયોજનો થઈ રહ્યા છે. અમે જાણીએ છીએ કે લોકોને મફત રાશન મળે છે, ઘર મળે છે, વીજળી, પાણી, ગેસ સિલિન્ડર મળે છે. આ ખૂબ જ મોટી સંખ્યા છે. જેટલા લોકોને ઘર મળે છે તે વસતી જાપાનની વસતી જેટલી છે. જેટલા લોકોને સિલિન્ડર મળે છે તે જર્મનીની વસતી કરતાં વધુ છે. હું ખૂબ જ ગર્વ સાથે આ વાતો દુનિયા સમક્ષ કહી શકું છું.
તેમણે ઉમેર્યુ ંકે, પરંતુ હું દુનિયાથી એક વસ્તુ છુપાવું છું અને તે મારે છુપાવવી પડે છે. મને દેશની બહાર જઈને એમ કહેવામાં શરમ આવે છે કે ભારતની રાજધાનીમાં લોકોને ઘર નથી મળતા, ગેસ સિલિન્ડર, જળ જીવન મિશન હેઠળ પાઈપથી પાણી અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો લાભ નથી મળી શકતો. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીનો વિકાસ રૂંધાઈ ગયો છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેવા સમયે જ જયશંકરે આ નિવેદન કર્યું છે.