1975-76 ના વર્ષોમાં હું જ્યારે જામનગરની M.P.Shah medical College માં ભણતો હતો ત્યારે ડો.યાજ્ઞિક સાહેબ અમને ળયમશભશક્ષય નો વિષય ભણાવતા હતા. સુંદર સોહામણું વ્યક્તિત્વ, અત્યંત મૃદુભાષી, ચહેરાની પ્રત્યેક રેખામાંથી સજ્જનતા નીતરે અને આંખોમાં જ્ઞાનનો મહાસાગર ઘૂઘવે. હું જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાંની બારીમાંથી મને યાજ્ઞિક સાહેબનું નિવાસસ્થાન દેખાય. સાહેબની ઉંમર પાંત્રીસેક વર્ષની હશે. ક્યારેક એમને એમના પત્ની અને બાળકો સાથે બહાર જતાં કે આવતાં જોઉં. હું ભૂલતો ના હોઉં તો એમને એક નાની દીકરી હતી અને એક દીકરો હતો. ભૂલચૂક માફ. લગભગ ચાલીસ વર્ષ પછી એજ ડો.યાજ્ઞિક સાહેબે મારા દીકરા સ્પંદનને પણ મેડીસીનનો વિષય ભણાવ્યો. સતત બે પેઢીના ડોક્ટરો એકજ શિક્ષકના હાથ નીચે ભણ્યા હોય એવું ભાગ્યેજ બનતું હશે. પછીતો સાહેબની સાથે પિતા – પુત્ર જેવો સંબંધ રચાઈ ગયો. સાહેબ ડો.ની ડાયરી કોલમના નિયમિત વાચક.
જ્યારે કોઈ એપિસોડ બહુ ગમી જાય તો ફોન કરીને અચૂક મારી પીઠ થાબડે. મોર્નિંગ મંત્રના પણ વાંચક અને ચાહક . મારી આધ્યાત્મિક સફર ઉપર એમની બારીક ગુરુ નજર રહે. ત્યારે મને ખબર ન હતી કે યાજ્ઞિક સાહેબના પત્ની હીમાબહેન પણ સારું લખતાં હશે. 1991-92 થી તેમના પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યાં અને તહેલકો મચી ગયો. પરિષદના અને અકાદમીના પુરસ્કારો તેમને મળવા લાગ્યાં. મને સૌથી વધારે આકર્ષી ગયેલી વાત તે મેડમની વિષય પસંદગી હતી. તેમણે ચીલો ચાતરીને ઘણાં નવાં વિષયોને સ્પર્શ કર્યો, પણ મને સૌથી વધારે ગમ્યાં તે મધ્યકાલીન ભક્ત કવિઓ, વેદકાલીન વ્યવસ્થા, મહાભારતમાં યુદ્ધ દર્શન, ભારતિય સંસ્કૃતિમાં શિવ મહિમા, આપણાં મહાન ઋષિઓ, રામાયણમાં કૈકેયી, મંથરા અને શુર્પણખા જેવા પ્રમાણમાં ઓછા ચર્ચાયેલા વિષયો. ગઈકાલેજ કુરિયરમાં મેડમનાં બે પુસ્તકો મળ્યાં. નટરાજ અને યદુકુળની સંહાર લીલા. આ બધાં એવાં વિષયો છે કે જેનાં વિશે આપણે થોડું ઘણું જાણતા હોઈએ છીએ. પરંતુ હીમા મેડમ ચીવટ પૂર્વક, ગહન અભ્યાસ કરીને જે વિષય ઉપર કલમ ચલાવે, તેને પૂરેપૂરો આવરી લે. એ વિષય ઉપર તમારે બીજું કંઈ વાંચવાની જરૂર ન પડે. આ બન્ને પુસ્તકો વાંચવા માટે હું થનગની રહ્યો છુ. કોઈએ જીવનની સુંદર વ્યાખ્યા કરી છે. આ વિશ્વમાં આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ એ બે વચ્ચેના સમયમાં કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વગર પસાર થઈ જઈએ, તેનું નામ સારું, સફળ જીવન. ડો. યાજ્ઞિક સાહેબ અને હીમાબહેન આવુંજ જીવન જીવી રહ્યાં છે. આભાર સાહેબ! આભાર મેડમ!