ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા પાંચ-છ દિવસથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ સાથે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેની સાથે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બીજી તરફ વરસાદ પડયા બાદ મોડી રાત્રે અને વ્હેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકો 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં મિશ્ર ઋતુના લીધે વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં તાવ, શરદી, ઉધરસ સહિતના લક્ષણો લોકોમાં વધી રહ્યા છે. જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેમાં ખાસ કરીને નાના બાળકોને વધુ અસર જોવા મળી રહી છે. એક તરફ વરસાદી ઝાપટાના લીધે મચ્છરજન્ય રોગો સાથે પાણીજન્ય રોગનું પણ પ્રમાણ વઘ્યુ છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ આસપાસના અનેક તાલુકામાંથી દર્દીઓ વાઇરલ ઇન્ફેકશનના લીધે સારવાર માટે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.