ભારે તારાજી : 20 લાખ લોકો અંધકારમાં ડુબ્યા : 11 લાખનું સ્થળાંતર
અમેરિકામાં મિલ્ટન વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. આ વાવાઝોડાને કારણે અનેક શહેરોમાં ગભરાટ ફેલાયો છે. 10 લાખથી વધુ લોકો પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયાં છે. 9 ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યે, તે કેટેગરી 3ના વાવાઝોડા તરીકે ફ્લોરિડામાં લેન્ડફોલ કર્યું હતું. જેનાં કારણે મિલ્ટન સાથે ઘાતક તોફાની મોજાઓ ફૂંકાવા લાગ્યાં હતાં. ખૂબ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. આ સાથે મુશળધાર વરસાદ પણ પડ્યો હતો. જેનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વાવાઝોડાને લઈને ઘણાં શહેરોમાં ચેતવણી જારી કરવામાં આવી હતી.
- Advertisement -
મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરએ તેનાં બુલેટિનમાં જણાવ્યું હતું કે, ડોપ્લર રડાર ડેટા સૂચવે છે કે હરિકેન મિલ્ટનનું કેન્દ્ર ફ્લોરિડાના પશ્ચિમ કિનારે સારાસોટા કાઉન્ટીમાં સિએસ્ટા કી નજીક લેન્ડફોલ કર્યું હતું. હવામાન સેવાએ અહેવાલ આપ્યો છે કે ફ્લોરિડામાં અનેક ટોર્નેડોનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડું મિલ્ટન એટલું ખતરનાક છે કે તેને સદીનું સૌથી ખતરનાક તોફાન કહેવામાં આવી રહ્યું છે. જેમાં 257 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું લગભગ 130 માઇલ પ્રતિ કલાકની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે. લેન્ડફોલ પહેલાં, ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું હતું કે કેટલાક લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચી શક્યાં નથી. તેથી તેઓએ આ ખતરનાક તોફાનનો સામનો કરવો પડશે.
તોફાન આવે તે પહેલાં ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. જેથી ઓછામાં ઓછું નુકસાન થાય. રાજ્યપાલે કહ્યું કે, દરેક વ્યક્તિએ ઘરની અંદર રહેવું જોઈએ. શેરીઓમાં બહાર ન નીકળો. પૂરનાં પાણી અને જોરદાર તોફાનો ખૂબ જોખમી છે. આ પહેલાં અમેરિકામાં હેલેન વાવાઝોડું ત્રાટક્યું હતું. આમાં ઓછામાં ઓછા 225 લોકોના મોત થયાં હતાં. ભારે વાવાઝોડાને જોતાં ટેમ્પા અને સારાસોટા એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટ્સ રોકવામાં આવી હતી. ઇમરજન્સી મેનેજમેન્ટના ફ્લોરિડા ડિવિઝનના ડિરેક્ટર કેવિન ગુથરીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલાં લગભગ 125 ઘરો ધરાશાયી થયાં હતાં. આમાંના ઘણાં મકાનો લોકો માટે કામચલાઉ ધોરણે બાંધવામાં આવ્યા હતાં.