હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જુલાના બેઠક પરથી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ટિકિટ આપતાં પક્ષમાં વિખવાદ ઉભો થયો છે. વિનેશને ટિકિટ આપવા આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ અને ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. તેમજ ટિકિટ ફાળવણી અંગે એઆઈસીસી (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ)ની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યો છે. હાલમાં જ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયા હતાં. હરિયાણાની 90 વિધાનસભા બેઠકની ચૂંટણીના પ્રથમ ચરણમાં 5 ઓક્ટોબરે મતદાન યોજાશે અને મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે.
આ નેતાઓ થયા નારાજ
- Advertisement -
બખતા ખેડા ગામમાં ફોગાટને સન્માન આપતો કાર્યક્રમ યોજાયો હતો, ફોગાટને ટિકિટ મળતાં જ જુલાના બેઠકના દાવેદારો નારાજ થયા હતા. પરમિન્દર સિંહ ધુલ, ધર્મેન્દ્ર ધુલ અને રોહિત દલાલ સહિત ઘણા નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતાં. મીડિયા સુત્રો અનુસાર, સ્થાનિક નેતાઓને લાગી રહ્યું છે કે, કોંગ્રેસ તેમના કામને નજરઅંદાજ કરી રહી છે, જો કે, અમુક નેતાઓ નારાજ હોવા છતાં કાર્યક્રમમાં સામેલ થયા હતા. ટિકિટ મળ્યા બાદ ફોગાટે પોલી ગામમાં રોડ શો યોજ્યો હતો.
AICC પર વિરોધ પ્રદર્શન
હરિયાણા કોંગ્રેસના અમુક કાર્યકરોએ એઆઈસીસીની ઓફિસની બહાર રવિવારે દેખાવો કર્યા હતા. પક્ષમાં બહારના લોકોના બદલે સ્થાનિક નેતાઓને મહત્ત્વ આપવાની માગ કરવામાં આવી હતી. કાર્યકરોએ નેતાઓના સંબંધીઓને ટિકિટ આપવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. મોટાભાગના પ્રદર્શનકારો હરિયાણાના બવાની ખેડામાંથી હતી. પટૌદીના અમુક ઉમેદવારોએ આરોપ મૂક્યો છે કે, પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરતાં પક્ષના પ્રદેશ એકમના પ્રમુખ ઉદયભાનની પુત્રી અને જમાઈને ટિકિટ આપી છે. કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ, ફોગાટને જુલાના અને રાજ્ય યુનિટના પ્રમુખ ઉદયભાનને હોડલ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
ફોગાટે ટિકિટ બદલ આભાર માન્યો
જુલાનાથી ચૂંટણી લડવાની ટિકિટ મળતાં ફોગાટે કોંગ્રેસ અને ખાસ કરીને પ્રિયકંતા ગાંધીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ‘જ્યારે હું કુશ્તી છોડવા વિશે વિચારી રહી હતી, ત્યારે પ્રિયંકાજીએ મને અપેક્ષા ન છોડવા કહ્યું હતું. તેમની વાતોએ મને પ્રેરણા આપી. હું જીતી જાઉ કે હારી જાઉ, પરંતુ હંમેશા તમારી સેવા કરતી રહીશ. મારૂ સપનું ગામમાં જ રહેવાનું છે.’