એફસીઆઈ ૨૩ લાખ ટન્સ ચોખાનું ઓકશન મારફત વેચાણ કરશે
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના સ્ટોકસમાંથી ૨૩ લાખ ટન ચોખા અનાજમાંથી ઈથેનોલ ઉત્પાદન કરતી ડિસ્ટિલરીસને પૂરા પાડવા સરકારે મંજુરી આપી છે. ડિસ્ટિલરીસને ચોખાના વેચાણ પર ગયા વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ યોજાનારા ઈ-ઓકશન્સમાં ભાગ લેવા સરકારે ઈથેનોલ ઉત્પાદકોને મંજુરી આપી હોવાનું એક યાદીમાં જણાવાયું હતું.
સરકાર પાસે હાલમાં ૫૪૦ લાખ ટનથી વધુ ચોખાનો સ્ટોકસ પડયો છે અને વર્તમાન ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન ઊંચુ રહેવાની અપેક્ષા છે.
ઈથેનોલ ડિસ્ટિલરીસને વધુમાં વધુ ૨૩ લાખ ટન્સ ચોખા ઉપાડવા દેવાશે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઈથેનોલ ઉત્પાદકો સાપ્તાહિક ઈ-ઓકશન્સ મારફત આ ખરીદી કરી શકશે. ગયા વર્ષના જુલાઈમાં સરકારે ઈથેનોલના ઉત્પાદન માટે ચોખાના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો. વધારાના સ્ટોકસનું સંચાલન કરવા એફસીઆઈ ખાનગી ટ્રેડરોને ચોખાના વેચાણ માટે ઈ-ઓકશન્સ હાથ ધરે છે.
અન્ય એક નિર્ણયમાં સરકારે ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડના પૂરવઠા પરની મર્યાદા નાબુદ કરી હતી. ઈથેનોલ સપ્લાય યર (ડીસેમ્બરથી નવેમ્બર) ૨૦૨૪-૨૫ માટે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. સરકારના નોટિફિકેશન પ્રમાણે, ખાંડ મિલો તથા ડિસ્ટિલરીસ શેરડીના રસ/ખાંડ સિરપ, બી-હેવી મોલાસિસ તથા સી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલ સપ્લાય યર (ડીસેમ્બરથી નવેમ્બર) ૨૦૨૪-૨૫ દરમિયાન ઈથેનોલનું ઉત્પાદન કરી શકશે.