આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો સહભાગી બની મતદાન કરે અને ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ગીર સોમનાથ કિન્નર સમૂદાયે અનુરોધ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના પાયાને મજબૂત કરવા અને વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ત્યારે સમાજમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા વ્યંઢળ સમાજે પણ તેમાં સહભાગી થતાં ચૂંટણીપર્વમાં તેઓ મતદાન કરી ચૂંટણીનો ભાગ બનશે. ડારી ટોલનાકા પાસે હંમેશા કિન્નર સમાજના લોકો આપણને જોવા મળે છે. આ સમાજના લોકોએ ટોલનાકા પાસેથી પસાર થતાં લોકોને ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે આજે અપીલ કરી હતી. કિન્નર સમૂદાયના શ્રી સેજલ, શ્રી જાગૃતિ, શ્રી રિયા, શ્રી રીના સહિતના કિન્નરોએ વેરાવળના ડારી ટોલનાકા પાસેથી પસાર થતાં તમામ વાહનચાલકોને સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.